પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૩૭

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બીજો માણસ: નાત તે વળી એવો વિચાર કરે ભગવન્ત?
કલ્યાણકામ: નાત સત્ - અસત્ પણ જુએ નહિ?
બીજો માણસ: શી રીતે જુએ?
કલ્યાણકામ: (પહેલા માણસને) ભૂદેવ! તમે કન્યાના પિતાતુલ્ય છો અને બિચારી કન્યાને કૂવામાં કેમ નાખી આવ્યા?
પહેલો માણસ: ભગવન્ત! કૂવામાં નથી નાખી. વર તો શ્રીમંત છે. બીજવર છે એટલે ઉમર તો સહેજ વધારે હોય. પણ કન્યા બેઠી બેઠી રોટલો ખાશે. અને, પરદેશી વૈદ્યરાજ આવ્યા છે તે મહારાજ પર્વતરાજનો ઉપચાર કરી રહે એ પછી એ વૈદ્યને રાખીને એ જ ઉપચાર આ વર કરશે, તો એ પણ જુવાન થઇ જશે.
બીજો માણસ: ભગવન્ત! આ ગોરે એવું કહ્યું તેથી જ લઢાઇ થઇ.મેં ગોરને કહ્યું કે તમને ડોસાએ પૈસા આપ્યા છે, તેના ચાર ભાગ કરો. એક ભાગ તમે રાખો, અને ત્રણ ભાગ મને આપો કે તેમાંથી એક ભાગ ડોસાને જુવાન કરવામાં ખરચીએ, અને બાકીના બે ભાગ મારે ઘડપણમાં ગુજરાન માટે ચાલે. મેં પૈસા માગ્યા ત્યારે ગોર સામી ગાળો દેવા લાગ્યા અને મારવા આવ્યા. એથી લોકો ભરાઇ ગયા અને હોહો થઈ ગઈ.
પહેલો માણસ: ભગવન્ત! મારા પૈસામાંથી હુ શેનો ભાગ આપું? મેં તો કામ જ કરી આપ્યું. વરને જુવાન થવું હોય તો વર પૈસા ખરચે, અને, કન્યાના બાપને નાણાં જોઇતાં હોય તો વર પાસે કઢાવે.
બીજો માણસ : ડોસાની પહેલી વારની બાયડીના છોકરા છે, તે હવે એક બદામ આપવા દે તેમ નથી.
કલ્યાણકામ : કોટવાલજી! અત્યારે અમારા ચિત્તને બહુ ક્ષોભ થયો છે. કાલે આ માણસોને હાજર કરજો. એમનાં બંધન કાઢી નાખજો. એમના દુરાચરણે એમને બાંધ્યા છે તે બસ છે.
૩૦
રાઈનો પર્વત