પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કલ્યાણકામ : (આસપાસ જોઈને) અહો ! આ તો તે જ સ્થળ છે જ્યાં ફરતાં અજાણતાં હું સર્પ પર પગ મૂકવાની તૈયારીમાં હતો. તે વેળા એ ભયનું તત્કાળ નિવારણ બીજી રીતે શક્ય ન હોવાથી તમે તમારો પગ એકદમ સર્પ પર મૂકી સર્પને મારો સ્પર્શ કરતો અટકાવેલો અને તમારે પગે સર્પનો દંશ વહોરી લીધેલો. સુભાગ્યે સર્પ ઝેરી ન નીકળ્યો. નહિ તો આજે આ બાગમાં કે કલ્યાણકામના હૃદયમાં એકે પુષ્પ કે પર્ણ હોત નહિ ! એ વૃતાંત ગુપ્ત રાખી તમે જગતમાંના પુણ્ય-પ્રવાહને અપુષ્ટ રાખો છો.
સાવિત્રી : ઢંઢેરો ફેરવવાથી એથી વધારે અપુષ્ટિ થાય તેમ છે.
કલ્યાણકામ : આપણા સંતાને તો જાણવું જોઈએ કે કેવી માતાની કીર્તિ તેમને જાળવવાની છે !
સાવિત્રી : બાળકો માતાને માત્ર એ એક પ્રસંગથી જ ઓળખશે ?
કલ્યાણકામ : બીજા પ્રસંગોમાં આવો ઉજ્જ્વલ પ્રસંગ તેમનાથી ગુપ્ત શા માટે રહેવો જોઈએ.
સાવિત્રી : ગુપ્તતાનો ભંગ કરવાનો સમય ઈશ્વર નક્કી કરે છે.
[નોકર પ્રવેશ કરે છે.]
 
નોકર : (નમન કરીને) ભગવન્ત ! પુષ્પસેનજી પધાર્યા છે.
કલ્યાણકામ : એમને અહીં લઈ આવ.
[નોકર જાય છે.]
 
કલ્યાણકામ : અત્યારે આવવાનું કારણ જાણવામાં નથી.
[પુષ્પસેન પ્રવેશ કરે છે.]
 
કલ્યાણકામ : પધારો પુષ્પસેનજી. પૂર્વની સરહદે શત્રુઓ પરાભવ પામી નિર્મૂલ થયા પછી તો આપને કાંઈ વિશ્રાંતીનો સમય આવ્યો છે એમ હું ધારતો હતો, પણ આપની મુખરેખા એમ સૂચવતી નથી.
પુષ્પસેન : આપ મને સૈન્ય લઈ લડાઈ પર મોકલવાના હો તો હું હાલ મહેતલ માગું, પરંતુ બે સૈન્ય મેળાવવા સારુ મારે મજલ કરવાની જરૂર પડે તેમ નથી. મારા હ્રદયમાં જ
અંક બીજો
૫૧