પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૧૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩
રાજમાતા જીજાબાઈ



આવ્યો અને તેણે માલોજીને ખૂબ ગાળો ભાંડી. આ અપમાન અસહ્ય થયાથી, માલોજી તેમની નોકરી છોડી દઈને ખેતીનું કામ કરવા લાગ્યો.

થોડા સમય પછી માલોજીનું નસીબ ફર્યું અને તેને જમીનમાં દાટેલા સોનામહોરોના સાત ચરૂ મળી આવ્યા. એ સંબંધમાં દંતકથા એવી છે કે :–

એક દિવસ માલોજીએ સ્વપ્ન જોયું કે સાક્ષાત્ દેવી ભગવતી તેની સન્મુખ આવી ઊભાં છે અને કહે છે કે, “માલોજી! હું તારા ઉપર પ્રસન્ન થઈ છું. તારા વંશજો રાજા થઈને ધર્મનું ગૌરવ સાચવશે. અહીંયાં સોનામહોરના સાત કળશ દાટેલા છે, તે તું ખોદી લે અને એ ધનથી ભવિષ્યના રાજ્યની તૈયારી કર.”

આ પ્રમાણે કહીને દેવી અદૃશ્ય થઈ ગયાં. માલોજીએ બીજે દિવસે સવારે દેવીએ બતાવેલે સ્થાને ખોદ્યું અને સોનાના સાત ચરૂ કાઢ્યા. આ પ્રમાણે અઢળક ધન મળ્યાથી માલોજીએ ઘણા સવારોનું સૈન્ય એકઠું કર્યું.

તેના સાહસ અને બળની વાત હવે ચારે તરફ ફેલાઈ. ધીમે ધીમે અહમદનગરના રાજ્યમાં તેને મોટો અધિકાર મળ્યો.

લુકજીએ હવે ઈ. સ. ૧૬૦૪ ના માર્ચમાં પોતાની કન્યા જીજાબાઇનો શાહજી સાથે વિવાહ કરી દીધો.

કેટલાંક વર્ષ વીતી ગયાં. શાહજી હવે બાળક નથી. હવે તો એ પણ સાહસિક, પરાક્રમી અને બળવાન યુવક થયેલ છે. અહમદનગરનું રાજ્ય દિવસે દિવસે નબળું પડતું જતું હોવાથી શાહજી દિલ્હીના શહેનશાહ પાસે નોકરી માગવા ગયો. તેના ગુણોનાં વખાણ શાહજહાન બાદશાહ અગાઉથી સાંભળી ચૂક્યો હતો, એટલે એણે આ ગુણવાન વીર યુવકને છ હજાર ઘોડેસવારનો નાયક નીમીને બે લાખ રૂપિયાનું ઇનામ આપ્યું.

થોડા સમય પછી અહમદનગરના રાજા બહાદુરશાહનું મૃત્યુ થયું, રાજ્યમાં ઘણી ગડબડ મચી. શાહજી બચપણથી જ અહમદનગર રાજ્યમાં ઊછર્યો હતો. આગલી વયમાં એ રાજ્યનીજ તેણે નોકરી કરી હતી. એ રાજ્ય ઉપર આજે રાજાના મૃત્યુથી આફત આવી છે, એ જોઇને તેનાથી બેસી રહેવાયું નહિ. એ દિલ્હીમાંથી પોતાની નોકરીનું રાજીનામું આપીને તરત