પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૧૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



અહમદનગર પહોંચ્યો. બહાદુરશાહની બેગમ શાહજીના આવ્યાની ખબર સાંભળીને ચિંતામાંથી મુક્ત થઇ. થોડા વખત પછી તેણે શાહજીને પોતાના રાજ્યનો કારભારી નીમ્યો અને બાળક પુત્રોના રક્ષણનો ભાર પણ તેને સોંપ્યો.

વૃદ્ધ લુકજી હજુ પણ અહમદનગરના રાજ્યમાં પોતાની આગલી નોકરી ઉપર હતો. જે માલોજી એક દિવસ પોતાનાજ હાથ નીચે સાધારણ કારકુન હતો, તેનોજ દીકરો આજે રાજ્યમાં કરતોકારવતો થઈ પડ્યો. જમાઈ હોવા છતાં પણ તેની આટલી બધી ઉન્નતિ લુકજીથી સહન થઈ શકી નહિ. એણે દિલ્હીના બાદશાહ શાહજહાન સાથે મસલત ચલાવી અને પોતે સહાય કરવાનું વચન આપીને તેને અહમદનગર ઉપર ચડાઈ કરવાનો આગ્રહ કર્યો.

દિલ્હીના બાદશાહો ઘણા સમયથી અહમદનગર જીતવાનો યત્ન કરતા હતા. હવે એ રાજ્યના જ એક માણસે ઘરભેદુ થઈને મદદ કરવાનું વચન આપ્યું, એટલે શાહજહાને સેનાપતિ મીરજુમલાને અહમદનગર ઉપર ચડાઈ કરવા મોકલ્યો.

શાહજી પરાજિત થયો. અહમદનગરની પડતી આવી. શાહજીએ જોયું કે, “હું રાજ્યનો મુખ્ય અમલદાર છું એટલા માટે અદેખાઈને લીધે સસરાએ આ આપત્તિ આણી છે. હું પોતે રાજકામ છોડી દઇશ તો રાજ્યનું રક્ષણ થશે.” એવું વિચારીને એણે બિજાપુર રાજ્યમાં નોકરી સ્વીકારીને સપરિવાર અહમદનગરનો ત્યાગ કર્યો.

જીજાબાઈ આ સમયે તેમની સાથે હતાં. તેમનો મોટો પુત્ર સંભાજી આ સમયે ત્રણચાર વર્ષનો હતો અને તે પણ માતાપિતાની સાથેજ હતો. અધૂરામાં પૂરું જીજાબાઈ આ આપત્તિને સમયે સગર્ભા હતાં. શત્રુઓ પાછળ આવતા હોવાથી તેમને વેગપૂર્વક ઘોડો દોડાવતાં નાસવું પડ્યું હતું. કેટલાક ગાઉ જતાં તેમના પેટમાં એકદમ એવો દુઃખાવો થયો કે એક ડગલું પણું આગળ ચાલવું અસહ્ય થઈ પડ્યું. આવી સ્થિતિમાં પત્નીને કોઈ સુરક્ષિત સ્થાનમાં મૂકવાનો શાહજીએ વિચાર કર્યો. મુન્નરનો થાણદાર શ્રીનિવાસ રાવ એમનો મિત્ર હતો. જીજાબાઈને કેટલાક નોકરો સહિત તેના આશ્રયમાં શિવનેરીના કિલ્લામાં મૂકીને શાહજી નિરુપાયે આગળ ચાલ્યા. એમણે ધાર્યું હતું કે