પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૨૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
રાજમાતા જીજાબાઈ



કદી પણ વિસ્મૃતિ થાયજ નહિ એ સ્વાભાવિક છે. નિઝામશાહે વિશ્વાસઘાત કરી તેના પિતા અને બંધુનો વધ કર્યો હતો, તેથી યવન પર તેને ક્રોધ થયો હતો. તે જ પ્રમાણે ભોંસલેના કુળનો રાજવૈભવ યવનોના પગ તળે નષ્ટ થઈ, તે કુળના પુરુષોને નાસી જવું પડ્યું અને કેવળ કંગાળ સ્થિતિમાં સમય વ્યતીત કરવો પડ્યો, તે પણ જીજાબાઈ કદી ભૂલી નહોતી. આગળ જતાં શાહજી રાજાએ સ્વબાહુબળ વડે યવનો સાથે કેટલોક સમય યુદ્ધ કરી પોતાના શરીરનું અપ્રતિમ ક્ષાત્રતેજ અને વિલક્ષણ શૌર્ય બતાવી તેમને ચકિત કરી દીધા હતા; પરંતુ યવનોનું સૈન્યબળ પ્રચંડ હોવાથી શાહજી રાજાએ પરાજય પામી કેવળ નિરુપાયે પુનરપિ યવનોની તાબેદારી સ્વીકારી હતી. સ્વપતિનું એવું અલૌકિક પરાક્રમ જોઈને અને થોડો વખત સમરવિજયી થઈને એક યવનની પાદશાહી રાજાના તાબામાં આવ્યા છતાં, અંતે તેમનો પરાજય થયો; એ સંબંધી વિચાર કરતાં જીજાબાઈના હૃદયમાં કેવી તીક્ષ્ણ વૃત્તિ ઉદ્‌ભવી હશે વારૂ ? ‘ભોંસલેના કુળમાં શકપ્રવર્તક પુરુષ ઉત્પન્ન થઈ યવનોના ત્રાસમાંથી સર્વ હિંદુઓને મુક્ત કરશે’ એવું ભવાનીદેવીએ તેને જે વરદાન આપ્યું હતું, તે વરદાન હવે સત્વર ખરૂં પડશે એ આશાનું જીજાબાઈના હૃદયમાં કેટલીક વખત સ્કુરણ થવા જેવી કૃતિ શાહજી રાજાને હાથે બનતી હતી; પરંતુ તેની ગતિ બીજેજ રસ્તે વળતાં પુનરપિ તેમને યવનોની તાબેદારી સ્વીકારવી પડી, એ જોતાં તેને કેટલી નિરાશા થઈ હશે અને કેટલું કષ્ટ થયું હશે તે કહેવાની આવશ્યકતા નથી.

“એ શ્રદ્ધાળુ સ્ત્રીને સર્વદા એવો ભાસ થતો કે, પૂર્વજોનો ગત વૈભવ પોતાને પુનઃ પ્રાપ્ત થશે અને પોતાના કુળમાં શક પ્રવર્તક પુરુષ અવશ્ય ઉપન્ન થશે. શાહજી રાજાએ કરેલાં પરાક્રમો પરથી તે તેમ બનવું અસંભવિત સમજતી નહોતી. યવનોએ ઉભય કુળનો રાજભવ હરણ કર્યાથી પોતાને કેવી હીન સ્થિતિ પ્રાપ્ત થઈ છે, તે જીજાબાઈ પોતાના પુત્રને વખતોવખત કહેતાં હતાં અને શાહજી રાજાએ તે સમયે જે પરાક્રમ બતાવ્યું હતું તેનું પુનઃ પુનઃ વર્ણન કરીને જીજાબાઈ શિવાજીના હૃદયમાં તેવું જ પરાક્રમ કરવાની ઇચ્છા જાગૃત કરવા પ્રયત્ન કરતાં હતાં. હિંદુધર્મ પર દ્વેષ રાખી, તે ધર્મને માનનાર, પ્રજાને ત્રાસ આપનાર,