પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



પાળવાના નિયમ બહુ સખ્ત છે. ગૃહસ્થોના ધર્મ સંબંધી પણ જૈનગ્રંથોમાં બહુ લખાયું છે. બાર ધર્મ ગૃહસ્થોના ગણાવ્યા છે. યાત્રા અને વ્રત ઉપર પણ પૂરતો ભાર મૂકવામાં આવ્યો છે. શત્રુંજય પર્વત, ચંપાપુરી, પાવાપુરી, ગિરનાર અને સમેતશિખર એ પાંચ તીર્થ એમનામાં બહુ પવિત્ર મનાય છે, કેમકે એ તીર્થંકરોની નિર્વાણભૂમિ છે. મહાપુરુષોની જન્મ અને નિર્વાણભૂમિ સર્વ દેશમાં પવિત્ર મનાય છે. એવાં તીર્થો કેવળ જૈનોને માટેજ નહિ પણ અન્ય હિંદુઓને માટે પણ તીર્થરૂપ છે.

પોસહ યાને “પૌષધ વ્રત” મહિનામાં પાંચ વખત અજવાળી પાંચમ અને બે ચૌદસે કરવાનું હોય છે. એમાં ગૃહસ્થે આહાર, શરીરનો ઠાઠમાઠ, સ્ત્રીસંગ અને વેપાર એ ચાર વાનાં તજવાનાં છે.

જૈનોનું મોટું વ્રત પર્યુષણ છે. એમાં ઉપવાસ અને શાસ્ત્રશ્રવણ કરવામાં આવે છે.

ઉપરના વૃત્તાંત ઉપરથી જણાશે કે જૈનશાસ્ત્રો બ્રાહ્મણશાસ્ત્રને ઘણી ખરી રીતે મળતાં છે. અહિંસા, તપ અને વૈરાગ્ય ઉપર એ ધર્મમાં બહુ ભાર દેવામાં આવ્યો છે. સંસારમાં રહેવા છતાં સંયમ અને ઇંન્દ્રિયનિગ્રહ કરી માનવાત્માએ ઉચ્ચપદે ચડવું એ તેમનો ઉદ્દેશ જણાય છે.

તેઓ જગતને અનાદિ માને છે અને કર્મના મહાનિયમથી બધું ચાલ્યા કરે છે એમ કહે છે. મનુષ્યને કર્યાં કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી અને કરીશું એવું પામીશું, એ સિદ્ધાંત બહુ જોરથી અને વિગતવાર તેઓ સમજાવે છે.

આથી તેઓ જગતના કર્તા એક ઈશ્વર માનતા નથી, પણ ઋષભદેવ વગેરે રાગાદિ દોષરહિત અને લોકોના ઉદ્ધારક એવા જે તીર્થંકરો થઈ ગયા છે, તેમને ભગવાન તરીકે પૂજે છે.❋[૧]


  1. ❋પ્રૉફેસર આનંદશંકર ધ્રુવના “ધર્મવર્ણન” ગ્રંથમાંથી આ આ આખો વૃત્તાંત લીધો છે; એને માટે એમનો ઉપકાર માનવામાં આવે છે. —પ્રાયોજક