પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૬૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
સરયૂબાળા


 સાધુએ કહ્યું: “સંસાર કેવળ બહારની વાતોને જાણે છે. વીર અને સાહસિક પુરુષોના હૃદયમાં શું શું છે, તેની ખબર તો કેવળ પ્રેમીઓને જ પડી શકે છે. શાસ્ત્ર કહે છે કે પ્રેમ એક એવી અદૂભુત શક્તિ છે, કે જે બે હૃદયને પરસ્પર ખેંચીને એક બનાવી દે છે. એક હૃદયનું બીજા હૃદય ઉપર પ્રતિબિંબ પડે છે અને પછી એ એક થઈ જાય છે. રઘુનાથની ખરી ખબર જાણવી હાય, તો એવી વ્યક્તિ પાસે જા કે જેને એના ઉપર પૂરેપૂરો પ્રેમ હોય. એ તને એના હૃદયની ખરી વાત કહી દેશે. એ વ્યક્તિ રઘુનાથથી ગમે તેટલી દૂર હશે, તો પણ તેના હૃદયનું સૂત્ર રઘુનાથના હૃદયની સાથે મળેલું હશે અને એનું હૃદય કોઈ દિવસ લોકવાયકાના ખોટા ભ્રમમાં નહિ પડે. હે સુંદરિ! તું મારી વાતને મિથ્યા ન સમજીશ. હું ખરું કહું છું કે સાચી વાત પ્રેમીને જ જણાય છે. પ્રેમી પોતાના પ્રીતમનો સાક્ષાત્કાર કરી શકે છે. પ્રેમી પોતાનું સર્વસ્વ પ્રીતમ ઉપર ન્યોછાવર કરી શકે છે. લોકો એને ગાંડો, ધૂની વગેરે નામથી પોકારે છે, પરંતુ એ તો પોતાના પ્રીતમના હૃદયમાં સદા સુખેથી વાસ કરે છે. પ્રેમીના હૃદયમાં પવિત્રતા આવે છે, પ્રેમ એ સાચી કસોટી છે, પ્રેમની દૃષ્ટિ ગમે તેવા પડદાને ફાડી નાખીને યથાર્થતાનું દર્શન કરાવે છે.”

સરયૂને સાધુની વાતથી કાંઈક હિંમત આવી. એણે આકાશની તરફ માથું ઊંચું કરીને કહ્યું: “પ્રભુ ! તને ધન્ય છે ? હુ આ મંદિરમાં શાંતિ માટે આવી હતી અને તેં શાંતિ આપી. સંસાર કેવી મોટી ભૂલમાં ગોથાં ખાય છે. દુનિયા રઘુનાથને નિમકહરામી ગણે છે, પણ મારું હૃદય એને નિર્દોષ માને છે. આકાશ અને પાતાળ એક થઈ જાય, પણ મારા રધુનાથને હું કદી પાપી અને નિમકહરામી નહિ કહું. એના ઉપર આફત આવી છે, તેથીજ એ મને મળવા નથી આવ્યો, નહિ તો મળ્યા વગર કદી રહેજ નહિ. હું સદા એનાજ ગુણ ગાતી રહીશ.”

સરયૂનો પ્રેમ જોઈને સાધુ પોતાના હૃદયના વેગને રોકી શક્યો નહિ. એણે કહ્યું: “ સુંદરિ! તું એ રધુનાથની ખરી પ્રેમિકા હોય એમ જણાય છે. રઘુનાથને પણ તારા ઉપર પૂર્ણ પ્રેમ છે. હું હમેશાં ભ્રમણ કરતો રહું છું, અને મેં સાંભળ્યું છે કે, એ આ દશામાં પણ સદા તારું સ્મરણ કર્યા કરે છે. જેવી રીતે સાધુઓ પરમાત્માના ધ્યાનમાં મગ્ન રહે છે, તેવી રીતે રઘુનાથ