પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૭૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧
સાહેબકુંવરી



શી વાર લાગવાની છે? પણ પતિયાલાની સ્થિતિ તો જુદાજ પ્રકારની હતી. પરતંત્ર થવાના સમાચાર સાંભળતાંવારજ રાણી સાહેબકુવરીનું હૃદય ક્રોધથી બળી જવા લાગ્યું. તેણે તરતજ યુદ્ધની તૈયારી કરી અને સાત હજાર સૈનિકોને મરાઠાઓની સાથે લડવા માટે મોકલ્યા. અંબાલાની પાસે મરદાનપુરના મેદાનમાં યુદ્ધ થયું. એ સમયે મરાઠાઓ પણ વીરતા, પરાક્રમ અને યુદ્ધનિપુણતામાં એક્કાજ હતા. પતિયાલાની શીખસેના એ વખતે યુદ્ધકળાથી અજાણી હતી, એટલે પ્રવીણ મરાઠાઓ આગળ ટકી રહેવું તેમને માટે અઘરું થઈ પડ્યું. રાણીને કાને આ સમાચાર ગયા એટલે પોતે તરત યુદ્ધક્ષેત્રમાં આવી. પતિયાલાની સેના પીઠ દેખાડવાની તૈયારીમાં હતી, એટલામાં રાણી હાથમાં તલવાર લઈને રથમાંથી કૂદી પડીને પોતાના સૈનિકોને કહેવા લાગીઃ “મારા વીર ચોદ્ધાઓ ! યુદ્ધમાં પીઠ બતાવવી એ મોટી નામર્દાઈ છે. એવી નામર્દાઈ કરતાં તો લડાઈમાં યુદ્ધ કરતાં કરતાં મરવું એજ વધારે સારું છે. યુદ્ધમાં મરી જવાના ભયથી આજે તમે નાસી જશો, પણ પછીથી કોઈ દિવસ મરવું નહિ પડે? મરવું તો એક દિવસ જરૂર છે, તો પછી વીર પુરુષોની પેઠે લડીને રણભૂમિમાં શા માટે નથી મરતા કે મર્યા પછી પણ તમારાં વખાણ થાય ? આ શરીરમાં પ્રાણ છે, ત્યાં સુધી યુદ્ધ કરવાને તૈયાર છું. યુદ્ધભૂમિમાંથી હું એક ડગલું પણ પાછી નહિ હઠું. તમે બધા નાસી જશો અને હું મરી જઈશ તોપણ તમે શું મોં દેખાડશો ? હું તમારા રાજાની બહેન છું એટલે તમારી પણ બહેન છું. ચાલો ભાઈઓ, બહેનની વારે ધાઓ.”

રાણીનું આ ઉશ્કેનારૂં ભાષણ સાંભળીને પ્રત્યેક સૈનિકે દૃઢ પ્રતિજ્ઞા કરી કે, “મરી જઈશું તોપણ આ યુદ્ધભૂમિમાંથી પાછા નહિ હઠીએ." ઘોર યુદ્ધ થયું, શીખોની સેના ઘણી મરી ગઈ, તોપણ જે થોડા યોદ્ધાઓ હતા, તે વીરતાથી લડતા રહ્યા. રાણીની દૃઢતા જોઈને કોઈ યુદ્ધમાંથી પાછું હઠ્યું નહિ. જ્યારે રાત પડી, ત્યારે કેટલાક લોકોએ સલાહ આપી કે, “હવે સેના થોડી રહી છે અને એટલી થોડી સેનાથી જિત થવાનો સંભવ બિલકુલ નથી; માટે પતિયાલા પાછા જઈને નવા સિપાઈઓ લાવવાનો બંદોબસ્ત કરો.” રાણીએ એ લોકોની સલાહ ન માની અને કહ્યું કે, “આજ રાતેજ મરાઠાઓ ઉપર હુમલો કરો અને જીવસટે