પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૭૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
આનંદમયી


 કન્યા પાસે કરાવ્યું, પરંતુ એની ગણતરી એટલી ખરી હતી કે, રાજાની સભાના બધા પંડિતોએ, જરા પણ વાંધો કાઢ્યા વગર તેનો સ્વીકાર કર્યો. એ ઉપરથી જણાઈ આવે છે કે, આનંદમયીનું શાસ્ત્રજ્ઞાન તેના પિતા કરતાં કોઈ રીતે ઓછું નહોતું તથા એના જ્ઞાન વિષે રાજસભાના કોઈ પંડિતને પણ સંશય નહોતો.

આનંદમયી ફક્ત લખતાંવાંચતાં શીખીને બેસી રહી નહતી. એ નાના પ્રકારનાં ખંડકાવ્ય રચીને પોતાની માતૃભાષાને અલંકૃત કરી ગઈ છે. તેના એક પિતરાઈ કાકા લાલા જયનારાયણ કવિ હતા. એમ કહેવાય છે કે, એમણે રચેલા “હરિલીલા” ગ્રંથમાં આનંદમયીની ઘણી રચના સામેલ છે. આનંદમયીની રચનામાં ઠેકાણે ઠેકાણે ઘણું પાંડિત્ય અને આડંબર જણાઈ આવે છે. સંસ્કૃત ભાષામાં એ વિશેષ પ્રવીણ હતી, એ તેની રચનામાં કરેલી સંસ્કૃત શબ્દની પસંદગી ઉપરથી સારી પેઠે સમજી શકાય છે. “હરિલીલા” ઉપરાંત જયનારાયણ રચિત “ચંડીકાવ્ય”માં પણ આનંદમયીની રચનાને ઘણું સ્થાન મળ્યું છે. આનંદમયીએ કવિતામાં રચેલો “ઉમાનો વિવાહ” ઘણો પ્રસિદ્ધ છે. હજુ પણ ઘણી સ્ત્રીઓ તેને કંઠસ્થ કરી રાખે છે.

આનંદમયીના પિતા પચાસ વર્ષની વય પછી પ્રથમ કાલીઘાટ અને પાછળથી કાશીતીર્થમાં વાસ કરીને ઈશ્વરભજનમાં સમય ગાળતા હતા. નેવું વર્ષની વયે કાશી ધામમાં તેમનો સ્વર્ગવાસ થયો હતો. એ વખતે તેમની સ્ત્રી, આનંદમયીની માતા કાત્યાયની દેવી પતિની સાથે સતી થઈ ગઈ હતી.

ઈ૦ સ૦ ૧૭૯૧ માં અયોધ્યારામ નામના એક ગૃહસ્થ સાથે આનંદમયીનું લગ્ન થયું હતું. અયોધ્યારામ એક હોશિયાર વૈદ તથા ફારસી અને સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા.

આનંદમયી ઘણીજ વિનયશીલ અને ધર્મપરાયણ સ્ત્રી હતી. પતિ ઉપર તેની અચળ ભક્તિ હતી. પતિના મૃત્યુ સમયે એ પિયેરમાં હતી. ખબર મળતાં વા૨જ એ પતિની પાવડીઓ હૃદય ઉપર ધારણ કરી, સળગતી ચિતામાં પડીને સતી થઈ ગઈ.

આનંદમયીને ચાર પુત્ર અને એક કન્યા, એમ પાંચ સંતાન હતાં. તેના ત્રીજા પુત્ર ગિરીશચંદ્રસેનના દોહિત્ર શ્રી પંચાનન, રાય કવિચિંતામણિ હાલ ભવાનીપુરમાં વૈદનો ધંધો કરે છે.