પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૮૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



५२-दाई कोयल

હિજરી સન ૧૧૭૯ માં મરણ પામેલા બંગાળાના સૂબેદાર સૌલતજંગના પુત્ર શૌકતજંગની દાઈ હતી. એ ઘણી જ બુદ્ધિમાન અને રાજનીતિમાં પ્રવીણ સ્ત્રી હતી. તેની અપૂર્વ બુદ્ધિને લીધે સૌલતજંગે તેને ‘દાના અનકા’ (બુદ્ધિમાન ધાત્રી) નો ખિતાબ આપ્યો હતો. સૌલતજંગના મૃત્યુ પછી, તેનો પુત્ર શૌકતજંગ ગાદી ઉપર બેઠો; પણ તેનામાં રાજ્ય કરવા જેટલી હોશિયારી નહોતી. રાજ્યની વ્યવસ્થા ઘણી બગડી ગઈ અને તેની પૂરી બરબાદી થવાનાં ચિહ્ન જણાવા લાગ્યાં, પણ આ આપત્તિના સમયે ધાત્રી કોયલે શૌકતજંગને ઘણી અમૂલ્ય મદદ આપી. ઇતિહાસકારો લખે છે કે, દાઈ કોયલના બુદ્ધિચાતુર્યને લીધે જ એ રાજ્ય કાયમ રહ્યું હતું.

५३-नूर-उन्-निसा

મોગલ વંશની પડતી દશા આવી ત્યારે એમનું શૂરાતન, ગૌરવ, બહાદુરી બધું ઘટી ગયું હતું, બલકે લુપ્ત થઈ ગયું હતું એમ કહીએ તો ચાલે. પણ એ વખતમાં વિદુષી મહિલાઓની ખોટ નહોતી પડી. પહેલા બહાદુરશાહની પત્ની નૂર-ઉન્-નિસા એમાંની એક હતી. એ મિરઝા સજર નઝમ સોનીની કન્યા હતી. એ ઘણી વિદુષી હતી. ખાફીખાં લખી ગયો છે કે, તે હિંદી ભાષામાં સુંદર કવિતા રચતી.

બહાદુરશાહ ઇ. સ. ૧૭૦૭ માં ગાદીએ આવીને ૧૭૧૨ માં મરણ પામ્યો હતો. એની વિદુષી પત્નીના જન્મમરણની સાલ અમને મળી નથી.