પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૯૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯
વિદ્યાવતી


 ઉપાય યોજવા એ આપણું કર્તવ્ય છે.” ગુણવંતી સ્ત્રીએ એ પ્રમાણે પતિને સમજાવીને તૈલંગધરના વિવાહનો વિચાર માંડી વળાવ્યો. નૃસિંહધરને પણ પત્નીના આવા ઉદાર વિચાર જાણીને ઘણોજ આનંદ થયો. એણે તૈલંગધરના લગ્નનો વિચાર છોડી દીધો અને બીજા પુત્ર શ્રીધરનો લગ્નોત્સવ ઘણી ધામધૂમથી કર્યો. વિદ્યાવતીએ એ સાવકા છોકરાના લગ્નમાં ઘણા હર્ષપૂર્વક ભાગ લીધો અને ઘણો આનંદ અનુભવ્યો.

વયની સાથે સાથે તૈલંગધરની ધર્મભાવના વધવા લાગી. વિદ્યાવતીએ જોયું કે, તૈલંધરનો પ્રાણ ધર્મને માટે વ્યાકુળ થઈ રહ્યો છે, ત્યારે તેણે તેને યોગ્ય ઉપદેશ આપવા માંડ્યો. વિદ્યાવતીનાં ઉપદેશવચનો પુત્રના કાનમાં સુધા વરસાવવા લાગ્યાં. માતાના ઉપદેશ પ્રમાણે ચાલ્યાથી એમના હૃદયમાં નવોજ પ્રકાશ રેડાયો. તેમની મનોવૃત્તિઓ ઉચ્ચ માર્ગે જવા લાગી. ધીમે ધીમે ભગવત્પ્રેમનાં મોજા તેમના હૃદયમાં ઊછળવા લાગ્યાં.

પછી થોડા સમયમાં વિદ્યાવતીના પતિનો સ્વર્ગવાસ થયો.

પતિના મૃત્યુ પછી વિદ્યાવતીએ બધો સમય એકાગ્રચિત્તે પુત્રની સાથે ભગવાનની ચર્ચા અને ચિંત્વન કરવામાં ગાળ્યો. બાર વરસ સુધી વૈધવ્ય ભોગવીને એ ભક્તિમતી દેવી આ નશ્વર સંસારનો ત્યાગ કરીને પરલોકમાં સિધાવ્યાં.

ઈ. સ. ૧૫૮૧ માં તેમનો દેહ છૂટ્યો. તે સમયે તૈલંગધરની વય બાવન વર્ષની હતી. તૈલંગ સ્વામીએ અસાધારણ લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું. એમ કહેવાય છે કે, કાશીમાં એમણે દેહ ત્યાગ કર્યો, તે સમયે એમનું વય ૨૮૦ વર્ષનું હતું.