પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૦૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
વિષ્ણુપ્રિયા


 શુક્લપક્ષની ચંદ્રકળાની પેઠે એ દિનપ્રતિદિન વધવા લાગી. વિષ્ણુભક્ત સનાતન મિશ્રએ તેનું નામ વિષ્ણુપ્રિયાજ પાડ્યું.

ધીમે ધીમે વિષ્ણુપ્રિયાએ આઠમા વર્ષમાં પ્રવેશ કર્યો. સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને એ પિતાના ઘરમાં રમતી અને જનનીની સાથે દરરોજ ગંગાસ્નાન કરવા જતી. તેનો સ્વભાવ ઘણોજ નમ્ર અને ધૈર્યવાળો હતો. ઊંચું મુખ કરીને કોઈની સાથે બોલતી નહિ. તેના સુંદર મુખકમળ ઉપર વિશ્વપ્રેમની જ્યોતિ ચમકી રહી હતી. દયા, માયા, સ્નેહ અને લાગણીથી બાલિકાનું હૃદય ભરપૂર હતું. દીન, દુઃખી, પતિત અને અધમ પ્રત્યે એ વિશેષ લાગણી બતાવતી. રાજપંડિત સનાતન મિશ્રના ઘરમાં કોઈ વસ્તુની ખોટ નહોતી. બાલિકા વિષ્ણુપ્રિયા મોકળે હાથે ઘરમાંથી અન્નવસ્ત્ર લાવીને ગરીબોને આપતી. એ લોકોને મન તો એ સાક્ષાત્ અન્નપૂર્ણા હતી. ગંગા ઉપર તેની અચળ અને અગાધ ભક્તિ હતી. દરરોજ ત્રણ વાર સ્નાન કરવા જતી. માતાપિતા ઉપર પણ તેની પ્રગાઢ શ્રદ્ધા હતી. બાલ્યાવસ્થાથીજ તે વિષ્ણુભક્તિપરાયણ હતી. નવદ્વીપના એ ગંગાઘાટ ઉપર સ્નાન કરવા સારૂ શ્રીચૈતન્યદેવનાં માતુશ્રી શચિદેવી પણ પ્રતિદિન જતાં. ઘાટ ઉપર વિષ્ણુપ્રિયાની માતા સાથે એમનાં બહેનપણાં બંધાયાં. બાલિકા વિષ્ણુપ્રિયાને જોઈને એમને ઘણો આનંદ થતો અને એ એને પ્રેમથી રમાડતાં. વિષ્ણુપ્રિયા પણ એમને ઘણું ચાહતી. શચિદેવી જ્યારે જ્યારે એ બાલિકાને જોતાં ત્યારે ત્યારે એમના મનમાં એજ વિચાર આવતો કે, “આ છોકરી મારા પુત્રને લાયક છે.” શ્રી ચૈતન્ય ભાગવતમાં લખ્યું છે કે, માતા શચિદેવી દરરોજ ગંગાસ્નાન કરવા જતાં ત્યારે બાલિકા વિષ્ણુપ્રિયા તેમની પાસે આવીને નમ્રતાપૂર્વક પ્રણામ કરતી. શચિમાતા પણ પ્રેમપૂર્વક તેને આશીર્વાદ આપતાં કે, “કૃષ્ણ ભગવાન તને યોગ્ય પતિ આપજો ” અને ગંગાસ્નાન કરીને મનમાં અભિલાષ કરતાં કે, “આ કન્યા મારી પુત્રવધૂ બનજો.”

શચિદેવીને એ પ્રમાણે પ્રાર્થના કરવાનું ખાસ કારણ હતું. શ્રીગૌરાંગદેવનાં પત્ની લક્ષ્મીદેવીએ સ્વર્ગવાસ કર્યાથી એમનું ઘર સૂનું થઈ પડ્યું હતું. કોઈ કામમાં એમનું ચિત્ત લાગતું નહિ. ઘરમાં જરાયે ગોઠતું નહિ. ક્યારે મારા ગૌરાંગનો ફરીથી વિવાહ થાય એ ચિંતામાં એ રાતદિવસ રહેતાં હતાં. પુત્રની અવસ્થા નાની હતી, પણ સંસાર ઉપર એને આસક્તિ નહોતી. એના