પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૦૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



મોટા ભાઈ વિશ્વરૂપે સંન્યાસ લીધો હતો, એટલે શચિદેવીને શંકા હતી કે ગૌરાંગને લગ્નની બેડીથી બાંધવામાં નહિ આવે તો એ પણ ઘરબાર ત્યજીને ચાલ્યો જશે અને એવું થાય તો પછી આ વિશાળ સંસારમાં એમને કોનો આશરો? વિષ્ણુપ્રિયા એમની આંખમાં ખૂંપી ગઈ હતી, પણ એના પિતા સનાતન મિશ્ર રાજપંડિત હતા. એવા મોટા માણસની કન્યા એક ગરીબ વિધવાના પુત્રને અને તે પણ બીજવરને પરણે એ આશા એમને મનથી મિથ્યા હતી. એ વિચારથી શચિદેવી ઘણી વાર નિરાશ થઈ જતાં. પેલી તરફ સનાતન મિશ્રની અવસ્થા જુદા પ્રકારની હતી. એ ગૌરાંગદેવને પોતાના જમાઈ બનાવવા માગતા હતા, પણ આખા બંગાળામાં પ્રસિદ્ધ થઈ પડેલા એ વિદ્વાન પંડિત પિતાની કન્યાનું માગું સ્વીકારશે કે કેમ, એ બાબત એમને શંકા રહેતી હતી અને તેથી તેઓ માગું મોકલતાં સંકોચાતા હતા.

શ્રીગૌરાંગદેવની વય એ સમયે ત્રીસ વર્ષથી કાંઈક ઓછી હતી. વિદ્યામાં નવદ્વીપ નગરમાં એ સૌથી મુખ્ય પંડિત મનાતા હંતા. એમણે સ્થાપેલ વિદ્યાલયમાં એ સમયે હજારો વિદ્યાર્થી અધ્યયન કરતા હતા. એવા અગ્રગણ્ય પંડિતની આગળ પોતાની કન્યાનું માગું લઈ જવાનું સાહસ સનાતન મિશ્ન ન કરી શકે એ સ્વાભાવિક હતું, પરંતુ ગૌરાંગદેવમાં તો વિદ્વત્તાની સાથે નમ્રતા, ગર્વશૂન્યતા અને વિનય એટલાં બધાં હતાં કે રાજપંડિતની બધી શંકા નિર્મૂળ થઈ ગઈ.

શચિદેવીએ પોતે એક પાડોશી બ્રાહ્મણ દ્વારા ડરતાં ડરતાં શ્રીગૌરાંગનો વિવાહ વિષ્ણુપ્રિયા સાથે કરવાનો પ્રસ્તાવ સનાતન મિશ્ર આગળ રજૂ કર્યો. સનાતન મિશ્ર અને તેમનાં પત્નીના હર્ષનો પાર રહ્યો નહિ. તેમણે કહ્યું: “અમને આશા નહોતી કે શ્રીગૌરાંગ અમારા જમાઈ થવાનું સ્વીકારશે. આજ અમારી અભિલાષા પર પડી છે.” ગૌરાંગદેવને અત્યાર સુધી આ વાતની ખબર નહોતી, પણ જ્યારે એમણે માતાની ઈચ્છા જાણી ત્યારે વગર આનાકાનીએ લગ્ન સ્વીકારી લીધું.

લગ્નનો શુભ દિવસ પણ નક્કી થયો. બન્ને પક્ષ તરફથી ભારે તૈયારીઓ થવા લાગી. સનાતન મિશ્ર તો રાજપંડિત હતા એટલે એમને ત્યાં કોઈ વાતની ખોટ નહોતી, જમાઈ પંડિત શ્રીગૌરાંગ ગરીબ હતા, પરંતુ તેમના ગામમાં બુદ્ધિમંત ખાન નામનો