પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૧૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧
વિષ્ણુપ્રિયા



અડચણ ન પડે અને એ સાજાતાજા પાછા આવે એવું કરજો.”

પતિવિયોગનો સમય વિષ્ણુપ્રિયાએ સાસુની સેવામાં ગાળ્યો.

ગયામાં જઈને શ્રીગૌરાંગ ભગવત્‌પ્રેમમાં મગ્ન થઈ ગયા. ગયામાં વિષ્ણુપદનાં દર્શન કરતાં કરતાં એમનાં નેત્રમાંથી દડદડ અશ્રુધારા વહેવા લાગી. એમને પોતાના શરીરનું પણ ભાન ન રહ્યું: “કૃષ્ણ ! પ્રભો !” કહેતાં કહેતાં એ ગળગળા થઈ ગયા. એજ સમયમાં એમને ઈશ્વરપુરી નામના એક સંન્યાસી મળ્યા. એમણે શ્રીગૌરાંગને શિષ્ય બનાવ્યા. હવે શ્રીગૌરાંગની દશા વિલક્ષણ થઈ ગઈ. એમની સાથેનાં માણસો એમની એવી દશા જોઈને ગભરાયા. મહામહેનતે તેઓ એમને નવદ્વીપ પાછા લાવ્યા. ઘેર જઇને શ્રીગૌરાંગે શચિદેવીને પ્રણામ કર્યા. પતિને જોઈને વિષ્ણુપ્રિયાને ઘણો આનંદ થયો; પરંતુ બધાએ જોયું કે, શ્રીગૌરાંગદેવના સ્વભાવમાં ઘણો ફેરફાર થયો છે. ગયા જતાં પહેલાં એમની જે દશા હતી તે હવે નથી રહી; મુખ ઉપર હાસ્ય નથી, ઉત્સાહ નથી. શચિદેવી કાંઈ પણ ન સમજી શક્યાં. એમણે ધાર્યું કે પુત્ર ઘણા દિવસે યાત્રાથી આવ્યો છે. ત્યાં અનેક પ્રકારનાં કષ્ટ વેઠવા પડ્યાં હશે, પગે ચાલવું પડ્યું હશે, તેથીજ આવી દશા થઈ ગઈ છે; પરંતુ પુત્રનું ઊતરી ગયેલું મુખ જોઈને માતાનું મન વ્યાકુળ થઈ ગયું. તરતજ સ્નાન તથા ભોજનની વ્યવસ્થા કરી. ભોજન કરીને શ્રી ગૌરાંગદેવ ભક્તો એકઠા કરીને ગયાજીની વાતો કહેવા લાગ્યા. કૃષ્ણકથા કહેતાં કહેતાં એમનાં નયનમાં આંસુ ભરાઈ આવ્યાં. એ વાત આગળ ચલાવી ન શક્યા. ભગવાનના પ્રેમને લીધે એમનું હૃદય ઉન્મત્ત થઈ ગયું. ‘શ્રીકૃષ્ણ’ ‘ભગવન્’ કહેતાં કહેતાં એ ગાંડા થઈ જતા હતા. શચિદેવી અને વિષ્ણુપ્રિચાએ પણ એ જોયું. પતિની આવી દશા વિષ્ણુપ્રિયાએ પહેલાં કદી પણ જોઈ નહોતી. એમના હૃદયમાં ભય ઉત્પન્ન થવા લાગ્યો, “પતિ આમ શા સારૂ કરતા હશે ? એમને આ શું થઈ ગયું ? જાત્રા કરવા તો ઘણાએ જાય છે પણ આવું તો કોઈને થતું નથી.” એવી ચિંતાઓથી વિષ્ણુપ્રિયાના બાલહૃદયના ચૂરેચૂરા થવા લાગ્યા. શરમનાં માર્યાં કોઈની આગળ એ પોતાની મૂંઝવણ જણાવી નહોતા શકતાં, તેથી એમનું દુઃખ વધારે તીવ્ર થઈ પડ્યું. એ લોકો ચિંતા કરતાં ગયાં, પણ શ્રીગૌરાંગનો ભાગવત્પ્રેમ વધતો ગયો. શચિદેવીને પુત્રનો એ ભાવ સારો ન લાગ્યો. શ્રીકૃષ્ણના પ્રેમમાં મુગ્ધ