પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૧૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 થઈ જઈને એ આંસુની ધારા પાડી રહ્યા હતા ત્યારે શચિદેવીએ પૂછ્યું: “બેટા ! તું રડે છે શા સારૂ ? તને શું દુઃખ છે ?” શ્રીગૌરાંગે કાંઈ ઉત્તર ન આપ્યો. ‘શ્રીકૃષ્ણ’ ‘શ્રીકૃષ્ણ’ કહેતાં કહેતાં તેઓ વધારે રોવા લાગ્યા. વિષ્ણુપ્રિયા એમની એ દશા જોઈને ઘણાં દુઃખી થયાં. ઘણે દિવસે સ્વામી ઘેર આવ્યા છે, તો પણ બિચારાં મન મૂકીને બે ઘડી એમની સાથે વાતચીત પણ નથી કરવા પામ્યાં. આટલા દિવસ મનમાં જે આશાઓ બાંધી રાખી હતી તે ઉપર પાણી ફરી વળ્યું. હૃદયમાં ઊંડો ઘા લાગ્યો. એ વિચારવા લાગ્યાં: “એમને કોઈ રોગ થયો હશે ?” આખરે એક દિવસ કઠણ હૈયું કરીને શરમ મૂકીને તેઓ સાસુને કહેવા લાગ્યાં. “મા ! એમને શું થઈ ગયું છે ? વૈદને બોલાવીને એમની દવા કરાવોને ?” બાલિકા પુત્રવધૂની વાત સાંભળીને શચિદેવી રોઈ પડ્યાં. એ વધારે ન ગભરાય એટલા સારૂ મનની વાત મનમાં રાખીને બોલ્યાં: “બેટા ! બહુ ચિંતા ન કરીશ. નારાયણ મારા દીકરાના બધા રોગ મટાડી દેશે. તું આજે પૂજાની સામગ્રી બરોબર તૈયાર કર.” સાસુનાં મીઠાં વચનોથી વિષ્ણુપ્રિયાને શાંતિ થઈ અને ઘણી હોંશથી એ દિવસે નારાયણની પૂજાની તૈયારી કરવા લાગ્યાં. યથાસમયે કુલપુરોહિતે આવીને ગૃહદેવતા શ્રીલક્ષ્મીનારાયણની યથાવિધિ પૂજા અને અભિષેક કરીને શ્રીગૌરાંગના નામથી મહાસ્વસ્ત્યનનો આરંભ કર્યો. વિષ્ણુપ્રિયા અને શચિદેવી મંદિરના ઉમરા આગળ બેસીને હાથ જોડીને નારાયણને કેટલીએ વિનતિ કરી રહ્યાં હતાં, કેટલીએ બાધાઆખડી રાખી રહ્યાં હતાં ! પૂજા થઈ રહ્યા પછી શચિદેવીએ નારાયણનો પ્રસાદ શ્રીગૌરાંગને આપ્યો. પુરોહિતે શાંતિનું જળ એમના ઉપર છાંટ્યું. શ્રીગૌરાંગ ચુપચાપ બેસી રહ્યા હતા. કોણ જાણે શું વિચારી રહ્યા હતા ? આંખમાંથી દડદડ આંસુ ટપકતાં હતાં. કૃષ્ણપ્રેમને લીધે એમને કોઈ વાતનું ભાન નહોતું. પૂજા સમાપ્ત થયા પછી બધાએ મળીને ઠાકોરજીને પ્રણામ કર્યા. સ્વામીભક્ત વિષ્ણુપ્રિયાએ મનમાં ને મનમાં પ્રાર્થના કરી: “હે મધુસૂદન ! હે વિપદ્‌ભંજન નારાયણ ! હે લક્ષ્મીકાંત ! મારા પ્રાણ વલ્લભની મતિ ઠેકાણે આણો. મારા પ્રાણનાથને પહેલાંના જેવા કરી આપો.” શ્રીગૌરાંગનો પ્રણામ કરવાને વારો આવ્યો ત્યારે એ સાષ્ટાંગ દંડવત્‌ કરીને પ્રાર્થના કરવા લાગ્યા કે, “દીનબંધુ ! હે કૃષ્ણ ! એક વાર દર્શન આપો. તમારા વિરહને હું સહન નથી