પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૧૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩
વિષ્ણુપ્રિયા



કરી શકતો. તમે મારા જીવનનું સર્વસ્વ છો. તમારા સિવાય મારે કશુંય ન જોઈએ. ધન, જન, સુંદરી, કવિતા આદિ કાંઈ પણ મારે નહિ જોઈએ. મને તો તમે તમારી નિઃસ્વાર્થ ભક્તિ પ્રદાન કરો.” એ પ્રાર્થના બધાએ સાંભળી. વિષ્ણુપ્રિયાના મનમાં એથી તો વધારે ઉચાટ થયો. શચિદેવીના મનમાં પણ સંદેહ ઉત્પન્ન થયો, પણ મનનો ભાવ છુપાવીને તેઓ વહુને કહેવા લાગ્યાં: “આજે પુરોહિતજી અહીંજ ભોજન કરવાના છે, તેની તૈયારી કરો.”

શ્રીગૌરાંગદેવ મંદિર આગળજ બેસી રહ્યા અને એકીટશે દેવતાના સામું જોવા અને રોવા લાગ્યા.

શચિદેવીના મનમાં આનંદ નથી, વિષ્ણુપ્રિયાના મુખ ઉપર પણ હાસ્ય નથી. શ્રીગૌરાંગ આમ પ્રભુપ્રેમમાં ઘેલા ન થઈ જાય અને સંસારમાં આસક્તિ રાખે એ વિષે બન્ને જણાંઓ ઘણો વિચાર કરવા લાગ્યાં. પેલી તરફ શ્રીગૌરાંગનો વૈરાગ્ય દિનપ્રતિદિન વધતો જ જતો હતો. ઈશ્વરપ્રેમના આવેશમાં એકદમ વિહ્‌વળ થઈ જતાં ભણાવવાના કાર્ય ઉપર એમનું ચિત્ત ચોટતું નહિ. ભણાવતાં ભણાવતાં એમને મૂર્છા આવી જતી. કોઈક વાર દીન બની વિદ્યાર્થીઓની માફી માગવા બેસી જતા.

શચિદેવીને આ બધું જોઈને ઘણું લાગી આવતું. પુત્રનું ચિત્ત સંસારમાં ચોટે એટલા સારૂ એ વિષ્ણુપ્રિયાને શણગાર સજાવીને પુત્રની પાસે મોકલતાં, પણ શ્રીગૌરાંગ તેમના સામું બરાબર જોતા પણ નહિ, ઊલટું રુદન કરવા લાગતા અને મોટે સ્વરે ‘હાય કૃષ્ણ ! હાય પ્રાણેશ્વર ! ક્યાં ગયા ?’ એમ બોલતા. બાલિકા વિષ્ણુપ્રિયા એ દેખાવ જોઈને ગભરાઈને નાસી આવતી. એને બીક લાગી હતી કે પતિ યુવાન છે, બળવાન છે, છતાં દુર્બળ બાળકની પેઠે રડે છે શા સારૂ ? એક વાર એમણે સાસુને જગાડ્યાં. શચિદેવીએ ૨ડતા પુત્રની પાસે જઈને એમ કરવાનું કારણ પૂછ્યું; પણ કાંઈ ઉત્તર ન મળ્યો. શ્રીગૌરાંગે તો ઉત્તરમાં કેવળ કૃષ્ણકથા કહેવા માંડી. એમાંજ રાત વીતી ગઈ. ત્યાર પછી શ્રીગૌરાંગદેવે નવદ્વીપના બીજા ભગવદ્‌ભક્તોની સાથે મળીને એક કીર્તનસમાજ સ્થાપી. એ સમાજમાં બધા સભાસદો એકઠા મળીને ભગવાનના ગુણાનુવાદ ગાતા હતા. રાતદિવસ કીર્તન થતું હતું. હવે તો ગૌરાંગે ઘેર આવવું પણ છોડી દીધું. ભાગ્યેજ ઘેર સૂઈ રહેતા. વિષ્ણુપ્રિયાની ચિંતાનો પાર રહ્યો નહોતો.