પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૨૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



છળકપટ કરી રહ્યા છે. તમારું મુખ જોતાં એમ લાગે છે કે તમારા હૈયામાં મેલ છે. મને છેતરવા માટે આપ બહારથી પ્રેમ દાખવી રહ્યા છો. નાથ ! હૃદયસર્વસ્વ ! મારી છાતી ઉપર હાથ મૂકીને સોગંદ ખાઓ કે આ અભાગણીને છોડીને ક્યાંય પણ નહિ જાઓ. હું તમારા વગર બીજા કોઈને ઓળખતી નથી. તમારાં ચરણો સિવાય મારી ગતિ નથી. વગર વાંકે મારા ગળા ઉપર છૂરી ચલાવશો નહિ. પ્રભુ ! તમે મારા સ્વામી છો, હું તમારી દાસી છું; તમે પુરુષ છે હું પરવશ અબળા છું. હું તમારી યુક્તિ કેવી રીતે જાણી શકું? મને સંદેહ ઊપજે છે કે તમે મને છોડીને ચાલ્યા જશો. જોજો, કંઈ સ્ત્રીહત્યાના પાપના ભાગી ન બનો.”

શ્રીગૌરાંગ સ્થિર અને ગંભીરભાવે પત્નીની બધી વાત સાંભળી રહ્યા હતા. હવે એમણે મનની વાત છુપાવવાનો પ્રયત્ન કર્યો નહિ. એ છેવટની દારુણ કથા, એ પ્રાણઘાતક વાણી ‘હુ સંન્યાસ ગ્રહણ કરીશ’ પત્નીને સંભળાવવાનો સમય આવી પહોંચ્યો હતો. શ્રીમતીના વક્ષમાં એ તીક્ષ્ણ છરી ભોંકવાનો સમય આવી પહોંચ્યો હતો! હવે ગૌરાંગથી ઝાઝી વાર મૌન બેસી રહેવાયું નહિ. એમણે મુખ મલકાવીને પ્રિયાને ધર્મ અને કલ્યાણની વાતો સમજાવવા માંડીઃ “પ્રિયતમે ! આ બધો સંસાર મિથ્યા છે. એ સંસાર નહિ, પણ અસાર છે. માતા, પિતા, પતિ, પુત્ર, ભાઈ, બંધુ કોઈ કોઈનું નથી. કૃષ્ણભજન એજ જીવનનો એકમાત્ર ઉદ્દેશ છે. એને સારૂજ મનુષ્યનો જન્મ છે. આ દુર્લભ માનવજન્મ ધારણ કરીને કોઈ કૃષ્ણભજન ન કરે તો એનો જન્મ ફોકટ છે. માન, અભિમાન, એ બધું એકદમ તજવા લાયક છે. સંસારની માયામાં ફસાઈને લોકો કૃષ્ણભજનને ભૂલી જાય છે, એથીજ એમને નરકની વેદના ભોગવવી પડે છે. જો સંસારરૂપી દાવાનળમાંથી રક્ષણ મેળવવું હોય તો શ્રીકૃષ્ણનું ભજન કરો. તમારું નામ વિષ્ણુપ્રિયા છે ! પ્રિયે ! તમારે એ નામ સાર્થક કરવું જોઈએ. મિથ્યા શોક કરશો નહિ. બીજી બધી ચિંતા દૂર કરીને શ્રીકૃણુનું ભજન કરો.” પરંતુ આ ઉપદેશ સાંભળવા છતાં પણ પત્નીના મનમાંનો વિષાદ દૂર થયેલો ન જણાયો, ત્યારે શ્રીગૌરાંગે આશ્વાસન આપ્યું કે, “પ્રિયતમે ! તને છોડીને હું ક્યાં જવાનો છું ? જ્યારે જઈશ ત્યારે તને કહીને જઈશ. હજુ તો તારી સાથે થોડા દિવસ રહીને સંસાર ચલાવીશ. તારા જેવી પત્ની મને મોટા