પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૨૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩
વિષ્ણુપ્રિયા



હું ક્યાં જઈ શકું? મારા આ હૃદયમાં તું સદાને માટે બિરાજીશ. લોકો તો સમજશે કે મેં તારો ત્યાગ કર્યો છે, પણ તું સદાને માટે મારા હૃદયની અધિષ્ઠાત્રી દેવી થઈને રહીશ. જે સમયે તું વિરહાતુર થઈને મારું સ્મરણ કરીશ, તે સમયે હું તને મળવા હાજર થઈશ. હું જ્યાં જઈશ ત્યાં તને વીસરીશ નહિં. આ વાત તું સાચીજ માનજે."

પતિવ્રતા શ્રીમતી વિષ્ણુપ્રિયા દેવીએ હવે સ્વામીના આદેશને માથે ચઢાવ્યો અને નીચું મુખ કરીને અશ્રુભીનાં નયને કહ્યું: "પ્રાણેશ્વર ! હૃદયકાંત ! તમે આજથી સ્વતંત્ર છો. તમને જેમાં સુખ તથા હિત જણાય, તે કાર્ય કુશળતાપૂર્વક કરો. હું એમાં અડચણ નાખનાર કોણ? તમારા સુખમાંજ મારું સુખ છે. આ જન્મમાં ૨ડતી આવી છું. રડીનેજ શેષ જીવન ગાળીશ, પણ તમારૂં એથી કલ્યાણ થતું હોય તો એ બધું સુખેથી કરીશ. ઘણા પુણ્યના બળ વડે તો તમારી દાસી બની છું. એ ઉચ્ચપદ, એ મહાન સંપત્તિ, પ્રભુ છીનવી લેતા નહિ. દુઃખી દાસી ગણીને શ્રીચરણમાં સ્થાન આપજો. એજ મારી છેવટની વિનતિ છે.”

આત્મસર્ગનું કેવું ઉજ્જવલ દૃષ્ટાંત છે ! મનુષ્ય, ધન, જીવન અને પુત્રનો ત્યાગ કરી શકે છે; પણ પતિવ્રતા, પતિભક્ત સ્ત્રી પોતાના પતિને કદી છોડી શકતી નથી. પરોપકારની ખાતર વિષ્ણુપ્રિયા દેવી પોતાના પતિને સંન્યાસી બનાવવા તૈયાર થઈ ગયાં. પોતાનું જીવન પતિ વગર કેવું કષ્ટમય થશે તેનો વિચાર છોડી દીધો. પોતાના સુખની પરવા ન કરતાં બીજાઓનુંજ કલ્યાણ થાય એને એમણે શ્રેષ્ઠ ગણ્યું. વિષ્ણુપ્રિયાનો આ સ્વાર્થ ત્યાગ ખરેખર જગતમાં અતુલનીય હતો !

માતા તથા પત્નીને આપેલા વચન પ્રમાણે શ્રીગૌરાંગ થોડા દિવસ ઘરમાં રહ્યા. એટલા દિવસ એમણે ઘરકાર્યમાં સારી રીતે ધ્યાન આપ્યું. દેવી વિષ્ણુપ્રિયાની સાથે રસવાર્તાઓ કરી. શચિદેવીને એથી ઘણો આનંદ થતો. એ પ્રમાણે સુખ અને આનંદમાં છ માસ વીતી ગયા. માઘ માસની ઉત્તરાયણ સંક્રાંતિ આવી પહોંચી. એ દિવસે શ્રીગૌરાંગદેવે ગૃહત્યાગ કરવાનો સંકલ્પ કરી રાખ્યો હતો. એ દિવસે એમણે માતાને કહ્યું: “મા ! આજ ઉત્તમ દિવસ છે. બ્રાહ્મણને તથા વૈષ્ણવો સારી પેઠે જમાડવા જોઈએ. શચિદેવી હોંશપૂર્વક રાંધવાના કામમાં ગૂંથાયાં અને વિષ્ણુપ્રિયા