પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૨૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫
વિષ્ણુપ્રિયા



હવે શ્રીગૌરાંગદેવની ખબર લઈએ. તેઓ શિયાળાની રાતે નીકળીને, ટાઢની જરાય પરવા ન કરતાં, ગંગાજીને પાર કરીને કટવા ગામ પહોંચ્યા. ત્યાં એમણે કેશવભારતી પાસે સંન્યાસ લીધો. સંન્યાસ લીધા પછી એ વૃંદાવન જવા નીકળ્યા, પણ માર્ગ ભૂલી જવાથી શાંતિપુર પહોંચ્યા અને પોતાના વૃદ્ધ શિષ્ય અદ્વૈતાચાર્યને ઘેર ઊતર્યા. એમની શોધમાં નીકળેલાં માણસને એમના સંન્યાસની ખબર પડી, અને એમણે એ સમાચાર જઈને શચિદેવી તથા વિષ્ણુપ્રિયાને જણાવ્યા. એ વૃત્તાંત સાંભળતાં બન્નેની જે દશા થઈ તે વર્ણવી શકાય એમ નથી. વિષ્ણુપ્રિયા વિલાપ કરવા લાગ્યાં: “હાય નાથ ! આ અભાગિનીને અનાથ બનાવવા માટેજ તમે સંન્યાસ લીધો કે શું ? તમે શા સારૂ ઘર છોડીને ચાલ્યા ગયા ? તમારાં મીઠાં વચનો સાંભળ્યા વગર હું કેવી રીતે જીવી શકીશ? હાય ! આ કઠણ હૈયાંમાંથી પ્રાણ કેમ નથી નીકળતો ? ચિતા સળગાવો, હું હમણાં જ બળી મરું છું. સારા માણસો તો કોઈના જીવને સતાવતા નથી તો પછી તમે આટલા બધા મનુષ્યોના જીવ શા સારૂ બાળ્યા ? તમે તો ધર્મપ્રચારક છો છતાં તમને ધર્મનો ભય કેમ નથી? માં અને સ્ત્રીને માર્યાથી તમારું શું કલ્યાણ થશે? હાય! મારો આ પ્રાણ કેમ નથી નીકળી પડતો ?” એટલું કહેતાં કહેતાં એ પૃથ્વી ઉપર ઢળી પડીને રોવા લાગ્યાં. એટલામાં શ્રીગૌરાંગદેવના સાથી નિત્યાનંદ ત્યાં આવ્યા અને શચિદેવીને જણાવ્યું કે, “શ્રીગૌરાંગ અદ્વૈતાચાર્યને ઘેર શાંતિપુરમાં છે. તમારી ઈચ્છા હોય તો એક વાર જઈને એમને મળી આવો, પણ વિષ્ણુપ્રિયાને સાથે ન લઈ જતાં. એમણે મનાઈ કરી છે. સંન્યાસીને પત્નીનું મુખ જોવાથી પાપ લાગે છે.” શચિદેવીને એ સાંભળીને જરાક શાન્તિ થઈ; પણ વિષ્ણુપ્રિયા કહેવા લાગ્યાં “હાય! મારૂં કેવું દુર્ભાગ્ય કે એમનાં દર્શન પણ નથી કરી શકતી હાય ! મેં અભાગણીએ એમની સ્ત્રી થઈને શા સારૂ જન્મ ગ્રહણ કર્યો ? હું એમની પત્ની ના હોત તો એમના પવિત્ર દર્શનથી વંચિત થાત નહિ. તેમણે આખા નદિયાના લોકોને શાંતિપુર જવાની રજા આપી છે—નકાર કર્યો છે મુજ હતભાગિનીનો ! હાય ! મેં એમનો એવો તો શો ગંભીર અપરાધ કર્યો છે કે, એમણે દર્શન-સુખથી પણ મને વંચિત કરી ?”

વિષ્ણુપ્રિયાની અનેક સખીઓએ તેમનો આ વિલાપ સાંભળ્યો,