પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૩૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૫
અહલ્યાબાઈ



આંખ ઊઘડી, એટલે એ સાપ કાંઈ પણ અનિષ્ટ કર્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. આ વાત ધીમે ધીમે તેના મામા નારાયણજીને કાને પહોંચી, એટલે એમણે બાળકને ભાગ્યશાળી ગણીને ઢોર ચરાવવાના કામમાંથી એને છોડાવીને પોતાની સાથે સવારોમાં દાખલ કરાવ્યો. મામાની સાથે રહ્યા પછી, થોડાજ સમયમાં આ ભાગ્યશાળી બાળકના ભાગ્યરૂપી સૂર્યનાં કિરણો રોજ નવીન પ્રકાશથી પ્રકાશવા લાગ્યાં. મલ્હારરાવ રોજ નવીન ઉત્સાહ અને ખંતથી પોતાનું કામ કરવા લાગ્યા અને સહનશીલતા, શૌર્ય વગેરે ગુણોનો પણ એમનામાં સંચાર થયો. એમનાં આ લક્ષણો જોઈને મામાને ખાતરી થઈ કે, આ બાળક ભવિષ્યમાં જરૂર નામ કાઢશે; તેથી એ મલ્હારરાવની ઉન્નતિને માટે યથાસાધ્ય પ્રયત્ન કરવા લાગ્યા. એ વખતે ભારતવર્ષમાં આજકાલની પેઠે શાંતિનું રાજ્ય નહોતું. હમેશાં કંઈ ને કંઈ લડાઈ થયા કરતી હતી અને તેને લીધે બળવાન અને યુદ્ધકુશળ પુરુષોની સદા જરૂર રહેતી હતી. કોઈ એક યુદ્ધમાં મલ્હારરાવે નિઝામ-ઉલ્-મુલ્કના સુપ્રસિદ્ધ વીર સેનાપતિ અને રાજનીતિમાં કુશળ, નાગર બ્રાહ્મણ ગિરધર બહાદુરને રણમાં હરાવીને ઠા૨ કર્યો, તેથી એમની વીરતાની કીર્તિ ચારે તરફ ફેલાઈ ગઈ. મરાઠાઓમાં પોતાના સગા ભાણેજને પોતાની કન્યા પરણાવવાનો ચાલ છે. એ ચાલ મુજબ નારાયણદાસે પોતાની કન્યાનું લગ્ન મલ્હારરાવ સાથે કરી દીધું અને પોતાની મિલકતના વારસ પણ એમનેજ બનાવ્યા. એમની બહાદુરીની પ્રશંસા સાંભળીને બાજીરાવ પેશ્વાએ તેમને ઘણા આદરસત્કાર સાથે પોતાને ત્યાં બોલાવ્યા અને પાંચસો સવારોના નાયકની જગ્યા ઉપર તેમની નિમણુંક કરી. પછી તો દિનપ્રતિદિન બળ, છળ અને રાજનીતિની ચતુરાઈ બતાવીને મલ્હારરાવ ઊંચા ને ઊંચા હોદ્દા પામતા ગયા. ઈ૦ સ૦ ૧૭૨૮ માં પેશ્વાએ નર્મદાના ઉત્તર કિનારાનાં બાર ગામ મલ્હારરાવને આપી દીધાં અને પછી ઈ૦સ૦ ૧૭૩૧ માં બીજા પણ સિત્તેર ગામ આપ્યાં. એ સમયમાં માળવામાં મરાઠા અને મુસલમાનો વચ્ચે ઝગડો ચાલી રહ્યો હતો. એ યુદ્ધમાં મલ્હારરાવે એવું યુદ્ધકૌશલ્ય બતાવ્યું કે, પેશ્વાએ તેમને માળવા પ્રાંતના પૂર્ણ અધિકારી બનાવી દીધા. મુસલમાનો ઉપર વિજય મેળવ્યા પછી પેશ્વા બાજીરાવે લશ્કરી ખર્ચના નિર્વાહને