પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૩૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૭
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



એ કન્યાના જન્મ સંબધી એવી દંતકથા ચાલતી હતી કે, માનકોજીને ઘણા દિવસ સુધી કોઈ સંતાન નહોતું. આખરે સંતાનની ઈચ્છાથી એ કોલ્હાપુર ગયા અને જગદંબાની આરાધના કરી. જગદંબાએ સ્વપ્નમાં તેમને દર્શન દઈને કહ્યું કે, “હું તારે ઘેર કન્યા થઈને જમીશ.” માનકોજીની પત્નીએ પણ સ્વપ્ન જોયું કે, કોઈ દેવીએ તેના કપાળમાં સિંદૂરનો ચાંલ્લો કરીને તેના ખોળામાં એક કન્યા આપી. ત્યાર પછી અહલ્યાનો જન્મ થયો, અહલ્યા એ ગામમાં ભગવતીના અંશરૂપજ મનાતી.

અહલ્યાબાઈનો જન્મ ઇ. સ. ૧૭૨૩ માં થયો હતો. રૂ૫માં એ ઘણાં સુંદર નહોતાં. એમના શરીરનો રંગ શ્યામળો અને કદ મધ્યમ હતું; પરંતુ શરીર ઘાટદાર હતું અને એમના કમળસદૃશ મુખ ઉપર એક એવી તેજોમય જ્યોતિ ઝગમગતી કે, એ ઉપ૨થી એમના હૃદયના ઉચ્ચ ગુણોનો પરિચય જોનારને મળતો. એ સમયમાં મહારાષ્ટ્રમાં ઝાઝું ભણવાનો રિવાજ નહોતો, છતાં અહલ્યાબાઈના પિતાએ એમને ભણાવ્યાં હતાં. બાલ્યાવસ્થાથીજ એ પાપથી બીતાં હતાં અને પુણ્યમાં મનને પરોવતાં હતાં. એમની નાની વયમાં એમનામાં એક બીજો ગુણ એ હતો કે, પૂજા અને પુરાણ શ્રવણ કર્યા વગર એ કદી ભોજન ક૨તાં નહોતાં.

મલ્હારરાવે બાલિકા અહલ્યાને જોઈ અને તેમને ખાતરી થઈ કે, પોતાની પુત્રવધૂ થવાને એજ કન્યા યોગ્ય છે. એમણે અહલ્યાના પિતા સાથે સગાઈની વાતચીત કરી અને ઈ.સ. ૧૭૩૫ માં ઘણી ધામધૂમ સહિત અહલ્યાનું લગ્ન ખંડેરાવ સાથે થઈ ગયું.

અહલ્યાબાઈ સાસરે ગયાં, ત્યારે તેમનાં મિષ્ટ ભાષણ, આચારવિચાર અને ધર્મપરાયણતાથી તેમનાં સાસુ ગૌતમાબાઈ ને સસરા મલ્હારરાવ ઘણાંજ પ્રસન્ન થયાં અને બાલવધૂ ઉપર તેમનો પ્રેમ દિનપ્રતિદિન વધવા લાગ્યો. અહલ્યાને પણ એમની કૃપા જોઈને ઘણો આનંદ થયો. એ પ્રસન્ન ચિત્તથી એમની સેવા કરવા લાગ્યાં તથા તેમના પ્રત્યે ભક્તિ દર્શાવવા લાગ્યાં. ઘરનું કામકાજ એ ઘણી ચતુરાઈ અને સુઘડતાથી ચિત્ત પરોવીને કરતા હતાં. ખંડેરાવનો સ્વભાવ ઉગ્ર અને હઠીલો તો પહેલેથીજ હતો. વળી હાલમાં એ ઘણો ઉડાઉ થઈ ગયો હતો. સ્વામીની એવી દશા જોઈને અહલ્યાબાઈ મનમાં ને મનમાં ઘણો સંતાપ કરતાં; પણ એમની પતિભક્તિમાં એથી જરા પણ ફેરફાર પડ્યો નહોતો.