પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૪૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



એ સમયે કેવળ ૧૮ વર્ષની હતી. સ્વામીના મૃત્યુના સમાચાર તેમણે સાંભળ્યા, ત્યારે એમને વજ્રાઘાત થયો હોય એમ લાગ્યું. પતિએ પ્રાણનો પરિત્યાગ કર્યો, તો હવે પોતાને જીવન ધારણ કરવાનું કાંઈ પ્રયોજન નથી, એવું વિચારીને તેમણે ચિતામાં આત્મવિસર્જન કરી પતિની પાછળ જવાનો નિશ્ચય કર્યો.

પણ મલ્હારરાવે બાળકની માફક અહલ્યાબાઈના ખેાળામાં માથું મૂકીને કહ્યું કે, “બેટા ! તું મારી છોકરી છે. મને મૂકીને ક્યાં જાય છે ? મારો ખંડુ ગયો, હવે તું એની જગ્યાએ છે. મારે મનથી તો તું એના કરતાં કોઈ રીતે ઓછી નથી. આજ તારા સામું જોઈને ખંડુનું દુઃખ વીસરી જઈશ. ખંડુ તો ચાલ્યો ગયો, પણ મારા સૂના ઘરની લક્ષ્મી સ્વરૂપ તને મૂકતો ગયો છે. મારા ઘરની કર્તાહર્તા તુંજ છે. તુંજ મને રાજ્ય કરવામાં મદદ આપ, આ દુઃખસાગરમાં મને એકલો મૂકીને ચાલી ન જઈશ.”

સસરાનો આ પ્રમાણેનો દયા ઉપજાવે એવો વિલાપ સાંભળીને અહલ્યાબાઈ જેવા કુળવધૂ તેમની અવગણના કરી શક્યા નહિ. સસરાને પ્રણામ કરીને તેમણે કહ્યું: “આ૫ મારા ઈષ્ટદેવતા સ્વરૂપ છો. આપની ખાત૨ જિંદગી સુધી વૈધવ્યનું દુઃખ સહન કરીશ; પણ આપની આજ્ઞાનું અપમાન કરીશ નહિ. સ્વામીસેવાથી વંચિત થઈ છું, પણ હવે આપની અને સાસુજીની સેવા કરીને વૈધવ્ય–જીવનનું સાર્થક કરીશ.”

અહલ્યાબાઈએ પતિની પાછળ સતી થવાનો વિચાર છોડી દીધો. સ્વામીની પુણ્યસ્મૃતિ હૃદયમાં કાયમ રાખીને સંસારનો કાર્યભાર માથે ઉઠાવવાનો તેમણે સંકલ્પ કર્યો. સસરાએ પણ પોતાનું વચન રાખ્યું. રાજકાજમાં એ અહલ્યાની સલાહ લેવા લાગ્યા અને ઉંમરલાયક રાજકુમારને જેમ રાજા હમેશાં સાથે રાખે છે, તેમ અહલ્યાને સદા પોતાની સાથે રાખીને રાજ્યના કામકાજની કેળવણી આપવા લાગ્યા. રાજ્યના આવક–ખર્ચની વ્યવસ્થા તથા બીજી કેટલીક આંતરિક વ્યવસ્થા તેમણે અહલ્યાબાઈના હાથમાં સોંપી. અહલ્યાબાઈ એવી દક્ષતાપૂર્વક કામ ચલાવવા લાગ્યાં કે, તેમની રાજનીતિકુશળતા તથા રાજ્યશાસન–શક્તિ માટે મલ્હારરાવને સંપૂર્ણ વિશ્વાસ બેઠો; વળી પોતે જ્યારે પાણીપતના યુદ્ધમાં ગયા, ત્યારે રાજ્યનો સંપૂર્ણ કારભાર અહલ્યાબાઈને સોંપી ગયા હતા. પાછા આવીને