પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૪૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૩
અહલ્યાબાઈ



ભલભલા જ્ઞાની માણસોના હૃદયને પણ બાળી નાખે છે, પરંતુ ધન્ય છે અહલ્યાબાઈને ! રાજ્ય અને પ્રજાના હિતની ખાતર, પોતાનું સર્વ દુઃખ વીસરીને તેમણે રાજકાર્યમાં મન પરોવ્યું.

માલેરાવના મૃત્યુ પછી ઈ૦ સ૦ ૧૭૬૬ માં અહલ્યાબાઈએ રાજ્યનો સઘળો કારભાર પોતાના હાથમાં લીધો.

મલ્હારરાવ હોલ્કર યુદ્ધવિગ્રહને લીધે ઘણુંખરૂં બહાર રહેતા હતા, તેથી તેમણે બાજીરાવ પેશ્વાની સિફારસથી ગંગાધર જસવંત નામે એક ગૃહસ્થને પોતાનો દીવાન બનાવ્યો હતો. ગંગાધર સ્વાર્થી અને કુટિલ સ્વભાવનો મનુષ્ય હતો. એણે વિચાર્યું કે, “અહલ્યાબાઈ જેવી ચતુર અને રાજનીતિમાં નિપુણ સ્ત્રી રાજ્યનો બધો કારોબાર પોતાના હાથમાં રાખશે, તો મારો સ્વાર્થ સાધવામાં મોટી આડખીલીરૂપ થઈ પડશે અને તેની આગળ મારી એક પણ યુક્તિ નહિ ચાલે.” આથી એણે વિચાર્યું કે, અહલ્યાબાઈને કોઈ નાદાન બાળકને દત્તક લે, તો રાજ્યની સઘળી લગામ પાછી પોતાના હાથમાં રહે. આવા ઈરાદાથી એણે અહલ્યાબાઈને સમજાવ્યું કે, “આ૫ સ્ત્રી છો. આપને રાજકાજની જાતે સંભાળ રાખવા જતાં ઘણી અડચણ નડશે. વળી એથી કરીને આપની પાઠપૂજા અને ઈશ્વરભજનમાં પણ વિઘ્ન પડશે; માટે આપ આપના કુટુંબમાંથી કોઈ છોકરાને ખોળે લઈ લો, તો ઘણું સારૂં. પછી રાજ્ય સંભાળવાની ફિકર રહી, પણ એ તો હું કરીજ રહ્યો છું. આપ આ પ્રમાણે નહિ કરો, તો મલ્હારરાવે ખરા પરસેવાથી મેળવેલું આ રાજ્ય સાચવવું ઘણું મુશ્કેલ થઈ પડશે. ચારે તરફથી શત્રુઓ ઊભા થશે અને પાછલું વેર લેવામાં કસર નહિ રાખે.” આ પ્રમાણે ઘણી યુક્તિ વાપરીને દત્તક લેવાનો તેણે આગ્રહ કર્યો.

રાજનીતિમાં પ્રવીણ અહલ્યાબાઈ એની કુટિલતાની મતલબ સમજી ગઈ, તેથી તેણે વિનયપૂર્વક ઉત્તર આપ્યો “હું પણ એક રાજાની સ્ત્રી છું અને બીજા રાજાની માતા છું, તો પછી મારી હયાતીમાં ત્રીજા કોને ગાદી ઉપર બેસાડું ? હું પોતેજ ગાદી ઉપર બેસીશ.”

એ સમયે પેશ્વાની ગાદી ઉપર માધવરાવ નામનો યુવક હતો. એ પોતે તો ઘણો ધર્મપરાયણ હતો, પણ એના વખતમાં એના કાકા રઘુનાથરાવનું ઘણું ચાલતું હતું. એ ઘણો દુષ્ટ