પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૫૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૫
અહલ્યાબાઈ



સંતાન નહોતું. તુકોજીએ એની બધી મિલકત રાજ્યમાં લઈ લેવાનો વિચાર કર્યો. બિનવારસી મિલકત રાજ્યમાં સોંપવાનો રિવાજ કાંઈ એ વખતે નવો નહોતો, પણ એ શાહુકારની સ્ત્રીએ અહલ્યાબાઈ પાસે જઈને પતિની મિલકત પોતાને મળવા માટે પ્રાર્થના કરી. એની પ્રાર્થના કાંઈ ગેરવાજબી નહોતી, તેમજ તુકોજીની વર્તણૂંક પણ એ વખતના રિવાજ મુજબ ગેરવાજબી નહોતી; તોપણ શાસ્ત્રોમાં કહેલા રાજધર્મની તો વિરુદ્ધજ હતી, એટલા માટે અહલ્યાબાઈએ તુકોજીને લખી દીધું કે, “આવી નિર્દયતા અને કઠોરતાને મારા રાજ્યમાં સ્થાન મળવું ન જોઇએ.” આ આજ્ઞા મળતાંવા૨જ તુકોજીએ લાચાર થઈને શાહુકારની મિલકત તેની સ્ત્રીના કબજામાં સોંપી. અહલ્યાબાઈની આ ઉદારતાથી ઈંદોરની બધી પ્રજા ધન્યવાદ આપવા લાગી.

એક સમયે તેના રાજ્યમાં બે ઘણા ધનવાન શેઠ મરી ગયા. તેમની બે વિધવાઓ સિવાય બીજું કોઈ વારસ નહોતું. એ વિધવાઓને કોઈ દત્તક પુત્ર લેવાની ઈચ્છા પણ નહોતી. તેમની ઈચ્છા પોતાની બધી સંપત્તિ અહલ્યાબાઈને સોંપી દેવાની હતી. એ સંપત્તિનો સ્વીકાર કરવાથી અહલ્યાબાઈ દોષમાં પડે એમ નહોતું; પણ એમણે એ ધન સ્વીકારવાની સાફ ના પાડીને કહ્યું કે, “તમારા સ્વામીની મિલકત છે તે તમે ભોગવો. હું એને લઈને શું કરૂં ?” વિધવાઓએ કહ્યું: “માજી ! અમે વિધવા છીએ. અમારી ભોગવિલાસની ઈચ્છા નષ્ટ થઈ ગઈ છે. સ્વામી છતાં ઘણુંએ સુખ ભોગવ્યું. હવે અમારે તો મોજશોખ શા ? આ મિલકત લઈને અમે શું કરીશું ? પારકા છોકરાઓને દત્તક લઈશું તો તેઓ આ સકમાઈની દોલતને ગમે તેમ ઉડાવી દેશે, એટલા માટે કોઈને દત્તક લેવાની અમારી ઈચ્છા નથી. આ૫ રાણી છો, આપને હાથે ઘણાં સત્કર્મો થાય છે, માટે આ મિલકત લઈને તેનો કોઈ પણ સારા કામમાં ઉપયોગ કરજો.”

અહલ્યાબાઈએ ઉત્તર આપ્યો “હું રાણી છું એટલે આખા રાજ્યમાં સત્કાર્ય અને પુણ્યદાન કરવાની હું એકલીજ અધિકારી છું, એવું તો નથી; તમે પણ ઘણાં સત્કાર્યો કરી શકો છો. મારે પોતાને પુણ્ય કરવા માટે મારી પાસે પુષ્કળ ધન છે. તમારૂં ધન મારે શા માટે લેવું જોઈએ ? તમારા સ્વામીનાં મરણ નીપજ્યાથી એ સંપત્તિ ઉપર હવે તમારો અધિકાર છે. તમારે મોજમજા