પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૫૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



અને ભોગવિલાસ નથી કરવા એ ઘણી સારી વાત છે. તમે સારાં પરોપકારનાં કામોમાં આ ધનને ખરચી નાખો અને એમ કરીને તમારા પૈસાથી તમે પુણ્ય મેળવો.”

અહલ્યાબાઈનો ઉપદેશ માનીને એ બે સ્ત્રીઓએ ઘણી જાતના પરોપકારમાં પોતાનો પૈસો ખરચ્યો.

એવી જ રીતે એક બીજો ધનવાન નિઃસંતાન મરી ગયો. તેની વિધવાએ દત્તકપુત્ર લેવાની રજા માગી અને એના બદલામાં રાજ્યને ઘણું નજરાણું આપવાનું કહ્યું. પ્રધાને સલાહ આપી કે એવું નજરાણું લેવામાં કાંઈ પાપ નથી, પણ અહલ્યાબાઈએ ઉત્તર આપ્યો કે, “શાસ્ત્ર પ્રમાણે એ વિધવાને દત્તકપુત્ર લેવાનો પૂરો અધિકાર છે. એ પોતાનો વાજબી અધિકાર ભોગવે તેમાં મારી મંજૂરીની શી જરૂર છે ? અને મંજૂરીની પણ જરૂર હોય તો પણ તેને માટે નજરાણું લેવાનો મને કોઈ હક્ક નથી. વિધવા એની મરજીમાં આવે તેને દત્તક લે. હું નજરાણું લઈશ નહિ.”

હાય ! અહલ્યાબાઈ જેવી ન્યાયપરાયણ રાણીઓ કેટલી થોડી થઈ છે ?

રાજ્યની ઉન્નતિ માટે, લોકોની સગવડને માટે, દીનદુઃખીઓનાં સંકટ નિવારણ કરવા માટે અને દેવસેવા માટે તેમણે કેટલું બધું ધન ખરચ્યું હતું તથા કેટલા બધા સારા નિયમો બાંધ્યા હતા. તેની ગણતરી આ ટૂંકા લેખમાં થાય એમ નથી.

રાજ્યમાં ઘણી જગ્યાએ તેમણે નવા કિલ્લાઓ બંધાવ્યા હતા. લોકોના અવરજવરમાં સગવડ કરવા સારૂ ઘણી સડકો બંધાવી હતી તથા નદીઓ ઉપર સુંદર ઘાટ બંધાવ્યા હતા. ઊંચા વિંધ્યાચળ ઉપર ચડીને લોકોને જવું ઘણું અઘરૂં લાગતું હતું; તેટલા માટે લાખો રૂપિયા ખર્ચ કરીને પર્વત ઉપર એક સારો રસ્તો બનાવ્યો. લોકોનું પાણીનું કષ્ટ નિવારણ કરવા સારૂ રાજ્યમાં હજારો તળાવ તથા કૂવા ખોદાવ્યા, વટેમાર્ગુઓનું દુઃખ નિવારણ કરવા સારૂ રસ્તામાં વિસામા બનાવ્યા. પક્ષીઓ માળા બાંધીને સુખેથી રહે તથા વટેમાર્ગુઓ છાયામાં બેસીને થાક ઉતારે અને ફળ ખાય એટલા સારૂ રસ્તાની બે બાજુએ ફળનાં ઝાડ રોપાવ્યાં. દેવસેવાને માટે દેશમાં ઠેકાણે ઠેકાણે મંદિરોની સ્થાપના કરી. ગરમીની મોસમમાં, રસ્તાઓ ઉપર તથા ખેતરની પાસે તૃષાતુર મુસાફરો અને ખેડૂતોને માટે પાણીની પરબો