પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૫૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



વગર સંકોચે ખર્ચ કરતાં, પણ ધર્મ સંબંધમાં તેમના વિચારો સાંકડા થઈ ગયા નહોતા. પ્રજાને પોતાની મરજી મુજબ ધર્મ માનવામાં એ કોઈ પણ પ્રકારનો વાંધો લેતાં નહિ. બધા ધર્મના લોકો, કોઈ પણ જાતની પીડા કે ત્રાસ ભોગવ્યા વગર, સમાન સુખથી તેમના રાજ્યમાં રહીને પોતપોતાના ધર્મ પાળતા હતા.

અહલ્યાબાઈ જાતે ઘણાં સાદાં હતાં. તેમના જીવનમાં કોઈ પ્રકારનો આડંબર નહોતો. તેમને કોઈ જાતના ભોગવિલાસની લાલસા નહોતી. વિધવા થયા પછી કઠણ બ્રહ્મચર્યવ્રત પાળતાં. કોઈ મીઠાઈ એમણે કદી ખાધી નથી. રાજદરબારના કામ સિવાય કોઈ દિવસ કિંમતી વસ્ત્રાલંકાર પહેરતાં નહિ, સારા બિછાના ઉપર કદી સૂતાં નહિ અને વિલાસની કોઈ પણ વસ્તુને સ્પર્શ કરતાં નહિ.

તે એટલાં બધાં વિનયી તથા નિરભિમાની હતાં કે, પોતાનાં વખાણ એમને કદી ગમતાં નહિ. પોતાની ખુશામત કરનારાઓને એ કદી આશ્રય આપતાં નહિ. એ સંબધે બેએક સુંદર દંતકથાઓ પ્રચલિત છે.

કોઈ બ્રાહ્મણે દક્ષિણાની લાલચમાં અહલ્યાબાઈની સ્તુતિમાં એક પુસ્તક લખ્યું. એ પુસ્તકમાં ઠેકાણે ઠેકાણે અહલ્યાબાઈનાં વખાણ હતાં. બ્રાહ્મણ એ પુસ્તક અહલ્યાબાઈને વાંચી સંભળાવવા આવ્યો હતો. અહલ્યાબાઈએ ઘણા કષ્ટપૂર્વક એ પુસ્તક સાંભળ્યા પછી કહ્યું: “આપે નાહક આટલો બધો પરિશ્રમ કર્યો. હું તો ઘણી પાપી છું, આ બધાં વખાણ મને છાજતાં નથી.” એમ કહીને અહલ્યાબાઈએ એ પુસ્તકને નર્મદામાં ફેંકાવી દીધું અને બ્રાહ્મણને દક્ષિણા આપ્યા વગર વિદાય કર્યો.

રાજાઓએ જેવી રીતે દયા અને ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરવું જોઈએ, તેવીજ રીતે રુદ્રરૂપ ધારણ કરીને દુષ્ટનું દમન કરવું જોઈએ અને એ પ્રમાણે પાપી અને અત્યાચારીઓને સજા પમાડીને પ્રજામાં શાંતિ ફેલાવવી જોઈએ. પ્રાચીન ધર્મશાસ્ત્રકારોએ ખરા રાજાનાં એજ લક્ષણો કહ્યાં છે. અહલ્યાબાઈમાં આ બંને ગુણો પૂર્ણરૂપે હતા.

અહલ્યાબાઈ કેટલી કોમળ પ્રકૃતિની સ્ત્રી હતી તેનો પરિચય વાચકોને આગળ મળી ચૂક્યો છે. જે પ્રમાણે એ માતાના જેવા સ્નેહથી પ્રજાનું રક્ષણ કરતાં હતાં, તેમના વાજબી હક્ક સાચવતાં