પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૬૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૧
અહલ્યાબાઈ



છાનામાના જઈને જયપુરના રાજાને ખંડણી ન આપવાની સલાહ આપી અને કહ્યું કે, “ખંડણીને માટે યુદ્ધ થશે, તો હું તમને મદદ કરીશ.” એની સલાહ મુજબ જયપુરના મહારાજાએ તુકોજીને કહેવરાવ્યું કે, “આપની માફક સિંધિયા મહારાજાની ખંડણી પણ અમારે આપવી બાકી છે, તેઓ પણ ઉતાવળ કરી રહ્યા છે; માટે તમારા બે માંથી વધારે જોરાવરને હું ખંડણી આપીશ.”

જયપુરના મહારાજાનો આ ઉત્તર સાંભળીને તુકોજીએ યુદ્ધની તૈયારી કરી; પણ એવામાં સિંધિયાના સેનાપતિએ ઓચિંતો હમલો કર્યાથી તુકોજીની હાર થઈ. તુકોજી એક ગઢમાં ભરાઈ ગયો અને વધારે ધન અને સૈન્ય મોકલવા માટે અહલ્યાબાઈને સમાચાર મોકલ્યા.

તુકોજીના પરાજયના સમાચાર સાંભળીને ક્રોધ અને ક્ષોભપૂર્વક અહલ્યાબાઈએ કહ્યું: “ધિક્કાર છે ! વીરપુરુષ થઈને તુકોજીએ હોલ્ક૨ના રાજ્યને કલંક લગાડ્યું. તુકોજી મને પુત્ર સમાન વહાલો છે, પણ આજે તેના પરાજયના સમાચાર સાંભળ્યા તેના કરતાં, યુદ્ધમાં તેના મૃત્યુના ખબર સાંભળ્યા હોત, તો હું વધારે ખુશી થાત.” તેણે શાંત થઈને તુકોજીને કહેવરાવ્યું કે, “હશે, થનાર હતું તે તો થઈ ચૂક્યું. તું ડરી જઈને નિરાશ થઈશ નહિ. જેટલું ખર્ચ થાય તેટલું કરજે, પણ હોલ્કરનું નામ રાખજે. હવે તું વૃદ્ધ થતો જાય છે. તારામાં જો યુદ્ધ કરવાની શક્તિ ન હોય, તો મને લખજે. હું વગર વિલંબે હથિયાર સજીને યુદ્ધમાં જઈશ. હું પણ વૃદ્ધ થઈ ગઈ છું, એ વાત ખરી; પણ હજુએ મારામાં શક્તિ છે. શક્તિ હોવાથીજ હજુ પણ રાજ્ય ચલાવું છું.” એમણે તુકાજીની મદદે ૧૮૦૦ સૈનિકો મોકલ્યા એ સેનાની મદદથી તકોજીરાવે ફરીથી યુદ્ધ જાહેર કર્યું.

અહલ્યાબાઈને ઉત્તેજનથી તથા તેમણે મોકલેલા વીર સૈન્યની મદદથી તકોજીએ સિંધિયાના લશ્કરને હરાવ્યું, જયપુરના રાજાએ ખંડણી આપવામાં આનાકાની કરી નહિ. અહલ્યાબાઈનું રાજ્યગૌરવ અખંડિત રહ્યું. વિજયી તકોજીએ આવીને અહલ્યાબાઈને પ્રણામ કર્યા.

અહલ્યાબાઈની રાજનૈતિક ચતુરતા અને કુશળતા સંબંધી પણ એક સુંદર વાત કહેવાય છે. ઇંદોરના ખજાનામાં મલ્હારરાવના સમયથી ઘણું ધન સંઘરી રાખવામાં આવ્યું હતું. એ