પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૬૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૩
મહલ્યાબાઈ



યુદ્ધ કરવાની ના કહી. અહલ્યાબાઈ જાણતાં હતાં કે, એવું થવાનું છે અને તેટલા સારૂજ એમણે આવો ભાવ ભજવ્યો હતો. રઘુનાથરાવે ગુસ્સે થઈને પૂછ્યું: “તમારૂં લશ્કર ક્યાં છે ?”

અહલ્યાબાઈએ જવાબ આપ્યો : “પેશ્વા સરકાર મારા માલિક છે. તેમની સાથે યુદ્ધ કરીને હું રાજદ્રોહી થવા માગતી નથી; પણ હોલ્કરના ખજાનામાં ધર્મનાં કામો માટે જે ધન સંઘરી રાખવામાં આવ્યું છે, તે હું આપી શકું એમ નથી. કોઈ લેવા આવશે તો જીવસાટે પણ તેનું રક્ષણ કરીશ. આપની એ ધન લેવાની ઈચ્છા હોય, તો મારી અને આ દાસીઓની હત્યા કરીને સુખેથી ધન લઈ જાઓ.”

રઘુનાથરાવ લાચાર બનીને થોડી વાર સુધી ચુપચાપ ઊભો રહ્યો. પછીથી એ મનમાં સમજી ગયો કે, અહલ્યાબાઈની યુક્તિ આગળ તેનું કાંઈ ચાલે તેમ નથી. આખરે પોતાના કામ માટે પસ્તાવો કરીને તથા મીઠાં વચનોથી અહલ્યાબાઈને સતોષ આપીને એ પાછો ફર્યો.

હવે અમે અહલ્યાબાઈનાં સ્વરૂપ તથા તેમની દિનચર્યાનું થોડુંક વિવેચન કરીશું.

ઊંચાઈમાં મધ્યમ અને દેહ સાધારણ બહુ પાતળો પણ નહિ અને બહુ સ્થૂલ પણ નહિ એવો હતો. રંગ શામળો હોવા છતાં, પણ મુખ ઉપર એક એવી તેજસ્વી પ્રભા વિરાજી રહી હતી, કે એમના મુખ સામું એકીટશે જોઈ શકાતું નહિ.

એમનો પહેરવેશ ઉત્તમ, સાદો અને ધોળા રંગનો હતો. વિધવા થયાં ત્યારથી જ એમણે રંગબેરંગી વસ્ત્ર પહેરવાં છોડી દીધાં હતાં. અલંકારમાં ફક્ત એક માળા ધારણ કરતાં. મરાઠાઓમાં મદ્યમાંસનો નિષેધ નથી, છતાં રાણી અહલ્યાબાઈએ એવા પદાર્થોનો સદાને માટે ત્યાગ કર્યો હતો. એમના ભોજનમાં સાત્ત્વિક પદાર્થો અધિક ભાગે જોવામાં આવતા. રાજસી અને તામસી વિચાર ઉત્પન્ન કરે એવા પદાર્થ તરફ એમને બહુ ઓછી રુચિ થતી. જૂઠું બાલવાથી એ તરતજ અસંતુષ્ટ થતાં. એમનું ચિત્ત સદા શાંત અને પ્રકુલ્લિત રહેતું. પોતાના શરીરને વસ્ત્રભૂષણથી અલંકૃત કરવાને બદલે પોતાના અંતઃકરણને વિવેક વિચાર અને ઉદાર રાજનીતિથી વિભૂષિત રાખતાં.