પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



કરતાજ નથી; કેમકે જીવહત્યા, અસત્ય વચન, ૫રદ્રવ્યહરણ અને પરસ્ત્રીગમન એ ચારે વાનાં નરકમાં લઈ જનારાં છે. વળી રાજાએ તો કદી પણ પારકી સ્ત્રીની ઈચ્છા ન કરવી જોઈએ, કેમકે એના દાખલાનું બધા પ્રજાજનો અનુકરણ કરે છે.”

દાસીએ જઈને રાજાને બધી હકીકત કહી સંભળાવી. કામવશ રાજાની મતિ બગડતી જ ગઈ. એણે વિચાર્યુ કે ભાઈ જીવે છે ત્યાંસુધી મદનરેખા વશ થવાની નથી, માટે એનું કાસળ કાઢવું જોઈએ. કામાંધ રાજા સગાભાઈનો વધ કરવા તૈયાર થયો !

એક દિવસ મદનરેખાએ સ્વપ્નમાં પૂર્ણ ચંદ્રને જોયો. એ સ્વપ્નની વાત એણે પોતાના પતિને કહી. પતિએ તેનું ફળ દર્શાવ્યું કે તને ચંદ્રમા જેવો સૌમ્ય ગુણવાળો પુત્ર પ્રાપ્ત થશે.

સગર્ભાવસ્થામાં મદનરેખા જિનેંદ્રની પૂજા, ગુરુઓની વંદના તથા ધર્મકથાનું શ્રવણ કરતી હતી. સગર્ભાવસ્થાના માતાના વિચારોની અસર ગર્ભમાંના બાળક ઉપર બહુ થાય છે. અસ્તુ !

એ અવસ્થામાં મદનરેખા પતિની સાથે એક દિવસ બગીચામાં વિનોદ કરી રહી હતી, ત્યાં આગળ દૃષ્ટમતિ મણિરથ રાજા ગયો. ભાઈ યુગબાહુ તેને મળવા સામે ગયો, એટલે મણિરથે તેને વાતચીતમાં નાખીને અચાનક તેના ઉપર ખડગનો ઘા કર્યો અને પછી જાણે ભૂલમાંજ એ બનાવ બની ગયેલ હોય એમ ઢોંગ કરીને રોવા લાગ્યા, મદનરેખાએ પતિની આ દશા જોઈને કલ્પાંત કરવા માંડ્યું. તેને જોઈને તેના નોકરો રાજાને મારવા તૈયાર થયા, પણ ઉદાર હૃદયના યુગબાહુએ તેમને વાર્યા.

યુગબાહુના પુત્ર ચંદ્રયશાને ખબર પડતાંવાર એણે આવીને પિતાના ઘાને મલમપટા માર્યા. મદનરેખાએ પણ પતિની ઘણીજ સેવા કરી, એટલું જ નહિ પણ જ્ઞાનમૃત વડે તેનું દુઃખ ઓછું કર્યું. તેણે પતિને દિલાસો આપ્યો કે, “આપ જરા પણ શોક ન કરવો. જીવ કરેલાં કર્મથી છૂટતો નથી. મનુષ્ય આ જીવનમાં જે સુખ ભોગવે છે તે આગલા જન્મોના કર્મનું જ પરિણામ છે; માટે આપે મન, વચન, કર્મથી જાણે અજાણે જે કાંઈ પાપ કર્યા હાય તેની ક્ષમા માગો. કોઈની પ્રત્યે રાગ દ્વેષ રાખો નહિ ! કોઈએ આપને દુઃખ દીધું હોય, દૂભવ્યા હોય તેને ઉદા૨ ચિત્તથી ક્ષમા આપો. દુનિયામાં બધા પદાર્થ અને બધાં સુખ ચળ છે,