પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૩૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 જતી રહી અને તેણે કહ્યું કે, “પુત્ર ઉપરનો સ્નેહ પણ વારેઘડીએ જન્મવા અને મરવાનું કારણ થઈ પડે છે, એમ આપે જણાવ્યું છે; અને સંસાર અસાર છે એ મેં પહેલેથી જાણ્યું છે. આ ભવ ચક્રમાં ફરતાં ફરતાં પ્રાણીઓને પતિ, પુત્ર આદિ સંબંધો અનેક વાર થયા છે, થાય છે અને થશે. આ પુત્રને મેં અનેક વાર જન્મ આપ્યો છે અને તેણે પણ મને અનંતવા૨ જન્મ આપ્યો હશે. વળી હું કોણ, ક્યાંથી આવ્યો, મારી માતા કોણ, મારા પિતા કોણ એમ વિચાર કરતાં આ સંસાર સ્વપ્નસમાન જણાય છે. સ્ત્રી પરભવની બેડી છે, સગાંસંબંધીઓ બંધન છે, વિષયો વિષસમાન છે; છતાં અજ્ઞાની મનુષ્ય સંસારમાં મોહ રાખીને ફસાઈ પડે છે.” આવો વિચાર કરીને મદનરેખાએ પુત્રને મળવા જવાનો વિચાર પણ માંડી વાળ્યો અને એ સાધ્વી પાસેજ ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યાર પછી એનું નામ સુવ્રતા પાડવામાં આવ્યું.

મદનરેખાનો નાનો પુત્ર, જેને તે અરણ્યમાં મૂકી આવી હતી, તે પદ્મરથ રાજાના હાથમાં આવ્યો હતો. તેણે તેનું નામ નમિ પાડ્યું હતું અને સર્વ વિદ્યામાં પારંગત બનાવ્યો હતો. વળી ઉત્તરાવસ્થામાં પોતે વાનપ્રસ્થ થઈને એને જ રાજ્ય સોંપ્યું હતું.

મદનરેખાનો મોટો પુત્ર ચંદ્રયશા કાકા મણિરથનું અકાળ મૃત્યુ થતાં તેની ગાદીનો વારસ થયો હતો. એક પ્રસંગે એક હાથીની બાબતમાં એની અને નમિની વચ્ચે યુદ્ધ જામ્યું. મદનરેખાને તેની ખબર પડી, એણે વિચાર્યું કે આ બન્ને સગા ભાઈઓ નાહક એક બીજાના ઉપર શસ્ત્ર ઉગામશે. વળી આ યુદ્ધમાં હજારો નિર્દોષ જીવની હિંસા થશે. સાધ્વીની રજા લઈને પોતે યુદ્ધક્ષેત્રમાં પહોંચી અને ચંદ્રયશા તથા નમિ બન્નેને બોધ આપ્યો તથા તેઓ સગા ભાઈ છે એની પણ ખાતરી કરી આપી. યુદ્ધ શમી ગયું. ચંદ્રયશાએ પોતાના નાના ભાઈને રાજપાટ સોંપીને ધર્મની દીક્ષા લીધી. કેટલાક સમય પછી નમિરાજને પણ સંસાર ઉપર વૈરાગ્ય ઊપજ્યો અને તેણે પણ મોટાભાઈ તથા માતાનું જ અનુસરણ કર્યું. પુત્રને રાજ્ય સોંપીને ધર્મનું સેવન કરવામાંજ એણે જીવન ગાળ્યું. એ ઘણો સંયમી અને જ્ઞાની નીવડ્યો.

પોતાના બન્ને પુત્રોને ધાર્મિક, નિર્લોભી અને કર્તવ્યપરાયણ જોઈને મદનરેખાને ઘણોજ આનંદ થયો. એ પોતે પણ સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષની અધિકારી બની.