પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૩૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

८–ब्रा ह्मी

સન્નારી જૈન મહાત્મા આદિનાથ પ્રભુ શ્રીઋષભદેવની પુત્રી થતી હતી. તેનો જન્મ અયોધ્યાનગરીમાં થયો હતો. તેની માતાનું નામ સુમંગલા હતું. બ્રાહ્મીને તેના માતાપિતા તરફથી ઘણું સારૂં શિક્ષણ મળ્યું હતું. તેની બુદ્ધિ ઘણી તીવ્ર હતી. તે અઢાર પ્રકારની લિપિઓ જાણતી હતી અને તેના હસ્તાક્ષર ઘણાજ સુંદર હતા. ચિત્રવિદ્યામાં પણ તે ઘણી પ્રવીણ હતી. આગલા જમાનામાં હાલની પેઠે દરેક કન્યાને માટે લગ્ન કરવાની ફરજ નહિ હોવાથી, પિતા ઋષભદેવની આજ્ઞાથી સતી બ્રાહ્મી આખી જિંદગી સુધી બ્રહ્મચારિણી રહી હતી.

ઋષભદેવે પાછલી અવસ્થામાં ઘરસંસારનો કારભાર પુત્રોને સોંપીને દીક્ષા લીધી હતી. પિતાના સદુપદેશથી તથા સારાં પુસ્તકોના અધ્યયનથી બ્રાહ્મીનું ચિત્ત પણ સંસાર ઉપરથી ઊઠી ગયું હતું. તે હમેશાં ધ્યાન અને શાસ્ત્રોના અધ્યયનમાંજ સમય ગાળતી. આખરે પિતા ઋષભદેવનો હૃદયગ્રાહી ઉપદેશ સાંભળીને તેણે પણ એક દિવસ દીક્ષા લઈ લીધી હતી.

દીક્ષા લીધા પછી તેણે સંન્યાસિનીઓના ધર્મનું યથાર્થ પાલન કર્યું હતું. તેણે અન્ય સ્ત્રીઓને સદ્‌બોધ આપવામાં તથા વ્યાવહારિક જ્ઞાન ઉપરાંત ગૃહધર્મ અને પાતિવ્રત્યધર્મનું જ્ઞાન આપવામાં આખું જીવન ગાળ્યું હતું. ઘણાં વર્ષો સુધી તપ કરીને તે મોક્ષ પામી હતી.