પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૫૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
નંદયતી


 સૂતેલો નહિ જોવાથી, ચોધાર આંસુએ રુદન કરી રહી હતી અને પતિનો વિયોગ અસહ્ય હોવાથી તેણે ગળે ફાંસો ખાઈને મરી જવાનો નિશ્ચય કર્યો હતો. એવામાં સમુદ્રદત્ત બારણાં ઉઘાડીને અંદર આવ્યો અને પ્રેમપૂર્વક પત્નીને આલિંગન દઈને, પોતાના પરદેશગમનનું કારણ જણાવ્યું. નંદયંતી સમજુ સ્ત્રી હતી, એટલે એણે પતિના શ્રેયમાંજ પોતાનું શ્રેય માનીને, વિરહ વેદનાને મનમાં સમાવીને પ્રસન્ન વદને પતિને દેશાવર જવાની રજા આપી.

સમુદ્રદત્તના ગયા પછી ત્રણ મહિને નંદયંતીને ગર્ભનાં ચિહ્‌ન જણાવા માંડ્યાં. આ ઉપરથી તેના સાસુસસરાને શંકા આવી કે, છોકરો તો દેશાવર ગયો છે અને વહુ સગર્ભા છે, માટે આમાં કાંઇક ગોટાળો છે. તેમને નિર્દોષ નંદયંતીના શુદ્ધ ચરિત્ર માટે શંકા ઉત્પન્ન થઈ અને તેથી તેણે નિષ્કરુણ નામના એક સેવક મારફતે નંદયતીને જંગલમાં મોકલાવી દીધી. ત્યાં ગયા પછી નંદયંતીને જ્યારે પોતાને કાઢી મૂકવાનું કારણ જણાવ્યું, ત્યારે તે ઘણું કલ્પાંત કરવા લાગી અને ઉગ્ર સ્વરે કહેવા લાગી કે, “હું નિર્દોષ છું. મારે તો મારા સ્વામી વગર બધા પુરુષો ભાઈ અને બાપ સમાન છે.” પરંતુ દુષ્ટ નોકર તેને જંગલમાં મૂકીને ચાલ્યો ગયો. એટલામાં મૃગપુરનો રાજા પદ્મરાજ ત્યાં એકાએક આવી ચડ્યો. નંદયંતીનો વિલાપ સાંભળીને તે તેની પાસે ગયો અને મૃદુ વચનમાં તેને બધી હકીકત પૂછી. તેનો ઇતિહાસ સાંભળીને રાજાને ઘણી દયા ઊપજી, તેથી એ નંદયંતીને દિલાસો આપીને પોતાની બહેન તરીકે ગણીને પોતાની સાથે મૃગપુરમાં લઈ ગયો. ત્યાં આગળ તે રાજાની ઇચ્છા મુજબ પુષ્કળ પુણ્યદાન કરતી, વ્રતનિયમ પાળતી અને રાતદિવસ પતિનું સ્મરણ કર્યા કરતી. યથાસમયે તેને એક પુત્ર અવતર્યો અને રાજા તેનું પુત્ર પ્રમાણે પાલન કરવા લાગ્યો.

થોડાંક વર્ષ પછી નંદયંતીનો પતિ સમુદ્રદત્ત વેપારમાં પુષ્કળ ધન ઉપાર્જન કરીને ઘેર પાછો આવ્યો. ઘેર આવ્યા પછી તેણે પત્નીની આવી દુર્દશાના સમાચાર સાંભળ્યા, ત્યારે તેને ઘણો ખેદ થયો. તેણે માતાપિતાને જણાવ્યું કે, “તમે ઘણીજ ગંભીર ભૂલ કરી છે. નંદયંતી બિલકુલ નિર્દોષ છે. તેને જે ગર્ભ હતો, તે મારો જ હતો. આથી બધાને ઘણો પશ્ચાત્તાપ થયો. પત્નીના વિયોગથી વ્યાકુળ થઈને સમુદ્રદત્ત તેની શોધમાં નીકળ્યો. તે