પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૭૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



વિવાહયોગ્ય વયની થતાં જિનદત્તે મદન નામના એક સુયોગ્ય યુવક સાથે તેનું લગ્ન કરી દીધું. એ લગ્નમાં રાજાએ પણ ઘણો સારો ભાગ લીધો અને પુષ્કળ વસ્ત્રાલંકાર ભેટ આપ્યાં. એ દિવસથી તે “આભૂષણવતી”ના નામથી પ્રસિદ્ધ થઈ.

શ્રીમતીનો ગૃહસંસાર બહુ પ્રશંસનીય હતો. વડીલોની સેવા અને પતિપ્રેમમાં તેનો સમય વ્યતીત થતો હતો. ગૃહસ્થાશ્રમમાં રહીને ધર્મસાધના કરવામાં પણ તે સદા તત્પર રહેતી.

એક દિવસ એક પરમ વિદ્વાન મુનિ રત્નપુરમાં પધાર્યા. શ્રીમતીના સસરા પણ ત્યાં જઈ ચડ્યા અને સાધુનો ઉપદેશ સાંભળ્યા પછી પોતાની પુત્રવધૂના સદ્‌ગુણોની ઘણી પ્રશંસા કરી અને પૂછ્યું કે, “આ શ્રીમતીએ પૂર્વજન્મમાં કયું સત્કાર્ય કર્યું હશે જેના પ્રભાવે એ આવી વિદુષી, શીલવતી અને પરોપકારી નીવડી ?” સાધુએ તેના પૂર્વજન્મનો વૃત્તાંત કહી સંભળાવ્યો કે, “પૂર્વજન્મમાં એ અનામિકા નામની તપસ્વિની હતી.”

એ વૃત્તાંત સાંભળ્યા પછી શ્રીમતીની મતિ ધર્મ ઉપર વધારે દૃઢ થઈ. તેણે તપશ્ચર્યા કરવા માંડી. વ્રતનાં ઉદ્યાપન કર્યાં અને સંયમપૂર્વક જીવન ગાળવા લાગી. મૃત્યુ પછી તે મુક્તિને પામી.