પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૮૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



એને ખાતરી થઈ કે આ સંસાર મોહરૂપ છે. એમાં ફસાયાથી જીવની અવનતીજ થાય છે, માટે એ મોહજાળને તોડીને ધર્મનું ચિંંત્વન કરવામાંજ આયુષ્ય ગાળવું જોઈએ.

આવા વિચારો ઉત્પન્ન થવાથી કાલિકકુમાર અને સરસ્વતીએ માતાપિતાની આજ્ઞાથી દીક્ષા લઈ જ્ઞાનમાં ઘણી ઉન્નતિ કરી અને ધર્મોપદેશ કરી અને ધર્મોપદેશ કરીને ‘પ્રવર્તિની’ પદ પ્રાપ્ત કર્યું.

એક દિવસ ધર્મોપદેશ કરતાં કાલિકાચાર્ય ઉજ્જન જઈ પહોંચ્યા. દૈવસંયોગે પ્રવર્તિની સરસ્વતી પણ વિચરતી વિચરતી ત્યાંજ જઈ ચડી. એ વખતે નગર બહાર રાજા ગર્દભિલ્લની દૃષ્ટિ એના ઉપર પડી. સરસ્વતીનું રૂપલાવણ્ય જોઈ તે મુગ્ધ થઈ ગયો અને બળાત્કારથી તેને ઉપાડીને પોતાના મહેલમાં લઈ ગયો. એ અત્યાચારના ખબર ગામમાં પહોંચતાં ત્રાસ વર્તાઈ રહ્યો. નગરના સંઘે જઈ રાજાને પ્રાર્થના કરી, પણ કામાંધ રાજાએ તેમની પ્રાર્થનાને ગણકારી નહિ અને સરસ્વતીને અંતઃપુરમાં પૂરી રાખી.

રાજાએ મહેલમાં જઈને સરસ્વતીને ઘણીજ લાલચ બતાવી. લાલચથી વશ ન થઈ ત્યારે ભય બતાવ્યો, પણ કોઈ પણ પ્રકારે સતી સરસ્વતી એની દુષ્ટ ઈચ્છાને વશ ન થઈ. એણે ધર્મનુંજ શરણ લીધું અને શીલવ્રતમાં દૃઢ રહી. એણે નિશ્ચય કર્યો હતો કે, “ભલે રાજા મને રિબાવી રિબાવીને મારી નાખે, પણ આ દેહને તો હું ભ્રષ્ટ નહિજ થવા દઉં.”

પિલી તરફ કાલિકાચાર્યથી બહેનનું અપમાન સહન થયું નહિ. અહિંસા વ્રતધારી સાધુનો પિત્તો પણ એ પ્રસંગે વાજબી રીતે ઊકળ્યો. મલેચ્છ રાજા શકકૂલ અને બીજા ૯૬ રાજાઓની મદદથી તેમણે ઉજ્જયિની નગરી ઉપર ચડાઈ કરી અને ત્યાંના રાજાનો પરાજય કર્યો. સતી સરસ્વતી અંતઃપુરના બંધનમાંથી મુક્ત થઈ. ધર્મ અને નીતિ ઉપર જે સ્ત્રી આરૂઢ છે તેને હાનિ પહોંચાડવાની શક્તિ કૂરમાં ક્રૂર મનુષ્યમાં પણ નથી.

સરસ્વતીએ પાછું લોકોમાં ધર્મોપદેશ કરવાનું કાર્ય હાથમાં લીધું અને તેમાં ઘણો યશ મેળવ્યો. એ સમયના એક વિદ્વાન જૈન એની પ્રશંસામાં કહી ગયા છે કે:–

“સાધ્વીકુળમાં દીવા જેવી, સદ્‌બુદ્ધિવાળી શ્રીકાલિકાચાર્યની બહેન સાધ્વી સરસ્વતી, સાક્ષાત્ સરસ્વતીની પેઠે જય પામે છે.”