આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

માતાપિતા

કૃષ્ણના પિતા વસુદેવ યદુવંશી ક્ષત્રિય હતા; અને મથુરાની પાસેની કેટલીક જમીનના માલીક હોય એમ લાગે છે. ગાયો એ યાદવોનું મુખ્ય ધન હતું. વસુદેવ પાસે પુષ્કળ ગાયો હતી. ઠરાવેલું દાણ લઇ એ ગાયો આહિરોને સોંપવામાં આવતી. આથી આહિરોનાં ઘણાં કુટુંબો (વ્રજો) મથુરાની આસપાસ રહેતાં. વસુદેવ એક શૂર યોદ્ધા અને ન્યાયપ્રિય પુરુષ હતા. એમની ધર્મનિષ્ઠાને લીધે સર્વે યાદવો એમને પૂજ્ય ગણતા. રોહિણી અને દેવકી નામે એમને બે પત્નીઓ હતી. દેવકી એ મથુરાના રાજા ઉગ્રસેનની ભત્રીજી થતી હતી.

કંસ

ઉગ્રસેનના મોટા પુત્રનું નામ કંસ હતું. એ રાજ્યનો અતિ લોભી હતો. પિતાના મરણ સુધી વાટ જોવાની એનામાં ધીરજ ન હતી. એ મગધ (દક્ષિણ બિહાર)ના રાજા જરાસંધની બે દીકરીઓ સાથે પરણ્યો હતો. જરાસંધ તે વખતનો સૌથી બળવાન રાજા હતો; તેથી કંસને તેની મદદની હૂંફ હતી. વળી જરાસંધને સાર્વભૌમ થવાની મહત્ત્વાકાંક્ષા હતી; એટલે કંસને રાજ્ય અપાવવામાં એનો સ્વાર્થ પણ

૮૮