આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

ન્યાયથી વસુદેવ-દેવકીને નજરકેદ કરવા ઉપરાંત બીજું કશું કરવાની કંસની છાતી ચાલી નહિ. બીજા યાદવો અનેક રીતે એના ભોગ થઇ પડ્યા. કેટલાક નાસી છૂટ્યા, કેટલાકે અનુકૂળ સમય આવે ત્યાંસુધી પોતાનો અણગમો છુપાવી રાખ્યો અને કેટલાકે નવીન પ્રદેશોમાં પરાક્રમ કરી સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યાં.

વસુદેવ-દેવકીને મારવાની કંસની હિમ્મત ન હતી, પણ એની ખૂની છરી એમનાં બાળકોને મારતાં અચકાતી ન હતી. જાલિમો અનેક રીતે દુષ્ટ હોય છે, ધર્માધર્મના વિચારથી શૂન્ય હોય છે, અકારણ વૈરી, દુષ્ટ કર્મો કરતાં ક્ષણભર પણ આંચકો ન ખાનારા હોય છે, પણ તેથી વ્હેમ વિનાના હોય છે એમ કંઈ નથી. જગતને અનીશ્વર અને કેવળ પોતાની પાપી વાસનાઓને તૃપ્ત કરવાના સાધનરૂપ માનતા છતાં એમના હૃદયમાં કોઇ એક એવી નિર્બળતા રહી હોય છે કે એ નિર્બળતા એમને કોઇ નજીવા શકુન ઉપર કે કોઇ શૂદ્ર દેવદેવીના વર ઉપર અથવા કોઇ નજીવી વિધિના બરાબર પાલન ઉપર અપાર શ્રદ્ધા રખાવે છે. જે મોટાં મોટાં સૈન્યોથી ડરતા નથી, ગમે તેની સામે

૯૦