આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વારિકાપર્વ

.

બનાવોથી રુક્મી, શિશુપાળ, જરાસંઘ અને એમના મિત્રો દંતવક્ર, શાલ્વ અને પૌણ્ડ્રક-વાસુદેવ કૃષ્ણના કટ્ટા શત્રુ થઈ રહ્યા. રુક્મિણી ઉપરાંત કૃષ્ણને બીજી પણ સ્ત્રીઓ હતી એમ સંભવ છે; પણ એની સંખ્યા વિષે મતભેદ છે. તે સર્વેથી તેમનો પરિવાર મોટો થયો હતો.

નરકાસુર વધ

આ સમયમાં આસામમાં નરકાસુર નામે રાજા રાજ્ય કરતો હતો. તે અત્યંત દુષ્ટ અને ઉન્મત્ત હતો. અનેક દેશની સુંદર સુંદર છોકરીઓનું હરણ કરી તેણે કેદ કરી હતી. તે ગરીબ છોકરીઓને છોડાવવાનો શ્રીકૃષ્ણે વિચાર કરી નરકાસુર ઉપર સ્વારી કરી અને લડાઈમાં તેનો વધ કર્યો. છોકરીઓને બંધનમાંથી મુક્ત કરી, નરકાસુરના પુત્ર ભગદત્તને ગાદીએ બેસાડી, શ્રીકૃષ્ણ દ્વારિકા પાછા આવ્યા.

શિશુપાળનું
આક્રમણ

કૃષ્ણની ગેરહાજરીમાં શિશુપાળે દ્વારિકા પર ચડાઈ કરી હતી. શહેરને તે લઈ તો શક્યો નહિ, પણ એને આગ લગાડીને તેણે પુષ્કળ નુક્સાન કર્યું. કૃષ્ણે આવી દ્વારિકાને વળી પાછી બંધાવી અને એની શોભામાં વિશેષ વધારો કર્યો.



૧૧૯