આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

અને કર્ણ સાથે મસલત કરી પાંડવોની સંપત્તિ હરણ કરવાનું એક કાવત્રું રચ્યું. એ વખતના ક્ષત્રિયોમાં જુગારનું વ્યસન ઘણું પેસી ગયું હતું. જેમ ઘોડાદોડની શરતનો જુગાર આજે રાજમાન્ય હોવાથી સારા અને પ્રમાણિક મનાતા લોકો પણ એમાં રમતા શરમાતા નથી, તેમ કૃષ્ણના કાળના ધાર્મિક રાજાઓ પણ પાસાનો જુગાર રમતાં લજ્જાતા નહિ, એટલું જ નહિ પણ જેમ કાઠીયાવાડના દરબરો કસુંબાનો ઈન્કાર કરવામાં આવે તો અપમાન માનતા, તેમ જુગાર માટે મળેલાં નિમન્ત્રણનો અસ્વીકાર અપમાનસૂચક લેખાતો. યુધિષ્ઠિર ધર્મરાજા હતા ખરા, પણ એ ધર્મસુધારક ન હતા. દ્યૂત રમવું નિન્દ્ય છે એમ એ જાણતા, પણ જે રિવાજ પડી ગયેલો અને જે માન્યતા રૂઢ થઈ ગયેલી તેમાં સુધારો કરવાનું બળ એમનામાં ન હતું. દુર્યોધન વગેરે યુધિષ્ઠિરના સ્વભાવથી વાકેફ હતા. તેમણે એક મહેલ બંધાવ્યો હતો તે જોવાને વિષે પાંડવોને હસ્તિનાપુર નોતર્યા. કેટલાએક દિવસ એમને સત્કારપૂર્વક રાખી, એક દિવસે ફુરસદે ચાલતાં ગપ્પાંઓનો લાભ લઈ શકુનિએ યુધિષ્ઠિરને પાસા રમવા કહ્યું. યુધિષ્ઠિરે આનાકાની

૧૨૮