આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પાંડવપર્વ

.

વળી બીજો વર માગવા કહ્યું. દ્રૌપદીએ પતિનું રાજ્ય પાછું માગ્યું. ધૃતરાષ્ટ્રે તે પણ આપ્યું. યુધિષ્ઠિર પોતાના બંધુઓ અને પત્ની સાથે ઈન્દ્રપ્રસ્થ જવા ઉપડ્યા. પણ ધૃતરાષ્ટ્રના વરદાનથી દુર્યોધન વગેરે સર્વે ચંડાળ-ચોકડીને પોતાની મહેનત બરબાદ ગયા જેવું લાગ્યું. એમણે યુધિષ્ઠિરને વળી એક વાર પાસા રમવા બોલાવવા ધૃતરાષ્ટ્રને વિનવ્યા. ચર્મ તથા પ્રજ્ઞા ઉભય ચક્ષુ વિરહિત ડોસાએ પુત્રમોહને વશ થઈ એવી આજ્ઞા પણ કાઢી. વળી, જે હારે તે બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસ ભોગવે, અને અજ્ઞાતવાસમાં પકડાઈ જાય તો પાછી એ જ પ્રમાણે શિક્ષા અનુભવે, એવી શરત કરી. શકુનિએ પાસો ફેંક્યો અને વળી પાછો જીત્યો. થયું; બે ઘડીની રમતમાં ધર્મરાજાએ જુગારથી આખા જીવનની આસ્માની-સુલતાની કરી બતાવી. ઈન્દ્રપ્રસ્થ જવા ઉપડેલા ભાઈઓ અને પત્ની વલ્કલો પહેરી વનને રસ્તે પડ્યાં. વૃદ્ધ કુન્તી વિદુરને ઘેર રહી અને પાંડવોની ઇતર સ્ત્રીઓને પોતપોતાને પિયેર જવું પડ્યું.

શાલ્વ સાથેની લડાઈમાંથી નિવૃત્ત થઈ દ્વારિકા પાછા ફરતાં પાંડવોની વિપત્તિની હકીકત
૧૩૧