આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

સર્વ કુશળતા દાખવી, તોપણ અર્જુન મૂર્છિત થયો. આ જોઇ કૃષ્ણને બહુ માઠું લાગ્યું. એમને થયું કે ભીષ્મ પોતે પવિત્ર અને પૂજનીય હોવા છતાં કૌરવોનો પક્ષ તાણી અધર્મને આશ્રય આપે છે. એ એક મરે તો લડાઇનો અંત વહેલો આવે. આ વિચારથી પોતાની ન લડવાની પ્રતિજ્ઞા છતાં કૃષ્ણ સુદર્શન ચક્ર લ‌ઇ ભીષ્મના રથ ભણી દોડ્યા. કૃષ્ણને પોતાની સામે ચક્ર લ‌ઇ આવતા જોઇ ભીષ્મે મહાન આશ્ચર્યકારક કૃત્ય કર્યું. એણે પોતાનાં ધનુષ્યબાણ રથમાં મુકી દીધાં અને બે હાથ જોડી બોલ્યા: "દેવદેવેશ જગન્નિવાસ શ્રીકૃષ્ણ ! તારે હાથે મરણ આવે તો ઘણું જ સારૂં. આ લોક અને પરલોક બન્ને સુધરે. આવ અને ખુશીથી મને માર." આ પ્રેમની ઢાલ આગળ બીચારા સુદર્શન ચક્રની ધાર પણ બુઠ્ઠી થઈ ગ‌ઇ. પ્રતિજ્ઞા ભૂલી મારવાને ઉદ્યુક્ત થયેલા કૃષ્ણ શાંત થ‌ઇ ગયા. એમણે ભીષ્મને અન્યાયનો પક્ષ લ‌ઇ અનર્થનું મૂળ ન થવા સમજાવ્યા. ભીષ્મે કહ્યું: " રાજા પરમ દૈવત છે. તેનું અમારાથી નિવારણ કરી શકાય નહિ. " કૃષ્ણે કહ્યું: " કંસને યાદવોએ દૂર કર્યો, કારણ કે તેને સમજાવતાં છતાં પણ તે

૧૪૦