આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

ચડ્યા. વાદમાંથી ગાળાગાળી અને ગાળોમાંથી લડાઇએ ઉતરી પડ્યા. થોડી વારમાં તો લોહીની નદીઓ વહેવા લાગી. માત્ર બળરામ અને કૃષ્ણ તટસ્થ રહ્યા; પણ તેમને યે મારવા યાદવો ઉઠ્યા ત્યારે તેમણે પણ શસ્ત્રો ઉઠાવ્યાં. શસ્ત્રો ન મળ્યાં, એટલે સમુદ્ર તીરે ઉગી નીકળેલી મોટી મોટી ડાંગ જેવી સોટીઓ લઈ તેથી સર્વે ભાંડ્યા, ભક્ત સ્ત્રીઓ, છોકરાં, દ્વારિકામાં રહેલાં વૃદ્ધ જનો અને રામ તથા કૃષ્ણ સિવાય સર્વે યાદવ ક્ષત્રિયોનો - એટલે આશરે પાંચ લાખ માણસોનો - આ દારૂની ધૂનમાં નાશ થયો. કૃષ્ણના સર્વે પુત્ર-પૌત્રો પણ આ યુદ્ધમાં પડ્યા.

ભારતીય યુદ્ધની શરૂઆતમાં કુળના સંહારથી જે અનિષ્ટ પરિણામો નીપજવાની અર્જુનને ધાસ્તી હતી, તે સર્વે ખરી પડી. અસુરોના નાશથી ભૂભાર ઉતારવાની કૃષ્ણની મુરાદ એ વ્યક્તિઓના સંહાર પૂરતી ખરી પડી, પણ આસુરી સંપત્તિનો કાંઈ તેથી નાશ થયો નહિ. એ તો રબરની કોથળીમાં ભરેલી હવાની માફક ડાબો ખૂણો દાબતાં જમણે ખૂણે અને જમણો ખૂણો દાબતાં ડાબે ખૂણે ફુગી ઉઠેલી જણાઈ. ૐ ત્રાહિ ! ત્રાહિ !

૧૫૨