આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉત્તરપર્વ

.

નિર્વાણ

કૃષ્ણે પોતાના સારથિને બોલાવી આ ભયંકર હકીકત હસ્તિનાપુર જઇ પાંડવોને જણાવવા કહ્યું અને યાદવોની સ્ત્રીઓ તથા બાળકોને દ્વારિકાથી લઇ જવા અર્જુનને સંદેશો કહેવડાવ્યો. સારથિ હસ્તિનાપુર ગયો અને કૃષ્ણે સ્ત્રીઓ તથા બાળકોને દ્વારિકા પહોંચાડ્યા. બળરામે પ્રાણનો નિરોધ કરી દેહ છોડવા સમુદ્ર કિનારે આસન વાળ્યું. કૃષ્ણે દ્વારિકા જઇ વસુદેવ-દેવકીના પગમાં માથું મુકી સર્વે શોકજનક સમાચાર સંભળાવ્યા અને યોગથી પ્રાણત્યાગ કરવાનો પોતાનો નિશ્ચય જણાવ્યો. નમસ્કાર કરી કૃષ્ણ શહેર બહાર નીકળ્યા અને એક ઝાડને અઢેલી ડાબી સાથળને ઉભી રાખી, તે ઉપર જમણોપગ મુકી બ્રહ્માસન વાળી બેઠા. એટલામાં એક ભીલે કૃષ્ણના પગના તળીઆને મૃગનું મ્હોં સમજી તે ઉપર તાકીની બાણ માર્યું. આ રીતે જગદ્ગુરુ ભગવાન શ્રી કૃષ્ણનો અન્ત આવ્યો.

કૃષ્ણમહિમા

શ્રી કૃષ્ણનું આખું ચરિત્ર નિઃસ્વાર્થ લોકસેવાનું અનુપમ દૃષ્ટાન્ત છે. જન્મ્યા ત્યારથી તે લગભગ સો કે સવાસો વર્ષ સુધી એમણે કદીયે નીરાંત વાળી નથી.

૧૫૩