આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

બાળપણ ગરીબીમાં કાઢ્યું, માબાપના વિયોગમાં કાઢ્યું; પણ એ બાળપણને પણ એમણે એવી સુંદર રીતે દીપાવ્યું કે ભારતવર્ષનો મોટોભાગ એ બાળકૃષ્ણની ઉપર જ મુગ્ધ થઈ માત્ર એટલા જ જીવનને પણ અવતાર માનવામાં પોતાને કૃતાર્થ થતો સમજે છે. એમની યુવાવસ્થા માતાપિતાની સેવામાં, રખડતાં સ્વજનોને એકત્ર કરી એમનામાં નવું જીવન જગાડવામાં, પોતાના પરાક્રમથી નિઃસહાય રાજાઓને મદદ કરવામાં અને સામાન્ય લોભી રાજાઓનો સંહાર કરવામાં ગયો. એમના આયુષ્યનો ત્રીજો કાળ એમણે તત્ત્વચિંતન અને જ્ઞાનપ્રાપ્તિમાં ગાળ્યો. આ પછી તેમણે યુદ્ધ કરવાનું છોડી દીધું, તો પણ પોતાના ચાતુર્યથી ન્યાયીને ન્યાય આપવામાં એમણે પાછી પાની કરી નથી. એમને જ લીધે નરકાસુરના પંજામાંથી અબળાઓનો છુટકારો થયો, જરાસંઘનો પુરુષમેઘ અટક્યો અને પાંડવોને ન્યાય મળ્યો. ભારેમાં ભારે રાજ્ય ખટપટ કરતાં છતાં યે એમણે મશ્કરીમાં પણ અસત્ય ભાષણ કર્યું નથી, ધર્મનો પક્ષ છોદ્યો નથી, વિજયમાંયે શત્રુનો વિરોધ કર્યો નથી, એવી એમની પ્રતિજ્ઞા ભગવાન વ્યાસે ગાઈ છે, અને

૧૫૪