આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

બ્રાહ્મણો આવો ભયંકર યજ્ઞ પ્રાચીન કાળમાં કરતા. વેદમાં હરિશ્ચંદ્ર અને શુનઃશેષની વાત આવે છે તેમાં હરિશ્ચંદ્ર શુનઃશેષનો બલિ આપી વરુણદેવને સંતુષ્ટ કરવા માગે છે.

કલિયુગમાં આવો યજ્ઞ કરાય નહિ એમ શાસ્ત્રોમઆં જ લખ્યું છે. એટલે દરજ્જે કલિયુગ સારો ગણવો જોઇયે.

એક પ્રાચીન લેખક લખે છે :-

वृक्षान् छित्त्वा, पशून् हत्वा, कृत्वा रुधिरकर्दमम् ।
यज्ञैश्चेग्दम्यते स्वर्गो, नरकः केन गम्यते ॥

પૃ. ૧૨૪, લી. ૩ : રાજસૂય યજ્ઞ - સમ્રાટ્ અથવા ચક્રવર્તી રાજા પોતાના રાજ્યારોહણ સમયે ( અથવા પાછળથી અન્ય રાજાઓની સંમતિથી ચક્રવર્તી તરીકે સ્વીકારાય ત્યારે) આ યજ્ઞ કરે.

અશ્વમેઘ - જે રાજા અત્યંત બળવાન હોવાનો દાવો કરતો હોય તે અશ્વમેઘ કરે. જો એનું બળ સર્વ સ્વીકારે અથવા સિદ્ધ થાય તો એ યજ્ઞ કરી શકે.

પૃ. ૧૨૪, લી. ૩ : અવભૃથસ્નાન - હિન્દુ જીવનનાસર્વ સંસ્કારો, વિધિઓ અને વિશેષ ઉત્સવોની ઉજવણીમાં યજ્ઞ આવશ્યક ગણાય છે. પ્રત્યેક યજ્ઞની શરૂઆત તથા પૂર્ણાહૂતિ સ્નાનથી થાય છે. ઉપવીત લીધાં પહેલાં ન્હાવું પડે અને વિદ્યાધ્યયન પૂરૂં થાય ત્યારે પાછું ન્હાવું પડે એ સ્નાતક કહેવાય. તે જ પ્રમાણે વિવાહ, પ્રેતક્રિયા વગેરે સર્વે સંસ્કારોમાં સ્નાન થાય છે. એ જ રીતે રાજસૂય વગેરે વિશિષ્ટ યજ્ઞોની શરૂઆત તેમ જ પૂર્ણાહૂતિ સ્નાનથી થાય. એ છેવટનું સ્નાન અવભૃથસ્નાન કહેવાય.

૧૬૦