આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ.

પાસે એકાદ વાર ક્ષણિક સાત્વિક વેગ કે ભીરુતાના જોસમાં અત્યંત ધીરજવાળા અને નિઃસ્પૃહી મનુષ્યથી સહન થઇ શકે એવા પરિણામવાળો ભારે ત્યાગ કરાવવાથી એનું ભલું જ થશે એમ નથી.

(૨) જ્ઞાની ભારે સિદ્ધાન્તોનો અમલ ન કરાવી શકે માટે એણે સમાજનો ત્યાગ કરવો એ ઉચિત નથી. લોક-સંગ્રહાર્થે અજ્ઞાની એટલે સકામ પુરુષોની બુદ્ધિનો ભેદ ન થાય એવી રીતે એણે યુક્ત થઇને, એટલે નાખુશીથી નહિ પણ પ્રયત્નપૂર્વક, કર્મનું આચરણ કરીને લોકોને દોરવા જોઇયે.

(૩) તેથી, પોતે પોતાને માટે જે કૃત્ય ન કરે તે કૃત્ય બીજાને હિતાર્થે કરવાની સલાહ આપે, અને પ્રસંગ આવે તો પોતે પણ તેને માટે કરી નાંખે.

(૪) આસુરી વૃત્તિને એને ધરાવનારા પુરુષથી ભિન્ન કરી શકાતી નથી. માટે અસુરના નાશથી જ આસુરી વૃત્તિનો નાશ થાય.

આ સિદ્ધાન્તો લક્ષમાં રાખીયે તો કૃષ્ણના જીવનનાં અનેક ચરિત્રો સમજાઇ જાય એમ લાગે છે. એ સર્વ સિદ્ધાન્તો સાચા છે કે એમાં કાંઇક ભૂલ છે એ જુદો અને સ્વતંત્ર પ્રશ્ન છે. એની ચર્ચા અહીં થઇ ન શકે.