આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ-કૃષ્ણ

પોતાની સર્વાંગી ઉન્નતિ કરવાની આકાંક્ષા, એ સર્વને માટે સંપૂર્ણ પુરુષાર્થ કરવાની વૃત્તિ એ એ સ્થિતિનો સાધન માર્ગ છે.

રામ-કૃષ્ણની
ઉપાસના

સેંકડો વર્ષ થયાં આપણે રામ અને કૃષ્ણની અભેદપણે ઉપાસના કરતા આવ્યા છીયે. રામ અને કૃષ્ણ બન્ને આપણને એટલા બધા એકરૂપ લાગે છે કે બે નામ જોડી આપણે "રામ-કૃષ્ણ"નો એક જપ-મંત્ર બનાવ્યો છે. જે માણસ પરમાત્માને પોતાનામાં પૂર્ણ પણે પ્રગટાવવા ઇચ્છશે તે તો કદાચ રામ-કૃષ્ણને સંયુક્ત પૂર્ણતાએ પહોંચવા પ્રયત્ન કરશે. સુખના દિવસને એ વ્રતરૂપ ગણશે અને દુઃખમાં ઉત્સવ માનશે. એના ગામ્ભીર્યમાં પ્રેમ, અને પ્રેમમાં ગાંભીર્ય દેખાશે. એ પોતાની ઉપર અસત્ય, અન્યાય કે અપ્રમાણિકતાનો વહેમ સરખો યે સહન નહિ કરે, પણ બીજામાં એ સ્પષ્ટ જણાય તોપણ એનામાં જો એક પ્રેમ હશે તો એટલાથી સંતોષ માની એની બાંહેધારી કરી એને ચડાવવા પ્રયત્ન કરશે. એની રગેરગમાં મહારાજપદ હોવા છતાં એ મુરબ્બીપણું નહિ દેખાડે, કોઇને પોતાથી ઉતરતો નહિ કલ્પી શકે.

૧૮૦