આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બાલકાણ્ડ

રામમહિમા

શ્રી રામચંદ્રના પ્રતાપી ચરિત્રથી ભાગ્યે જ કોઈ હિન્દી વાચક અજાણ્યો હોઈ શકે. રામાયણ લખાયાને કેટલી સદીઓ થઇ ગઈ તેનો પત્તો લગાડવો આજે મુશ્કેલ છે. નાનકડા અયોધ્યા જિલ્લાના અધિપતિ કરતાં અનેક મોટા ચક્રવર્તી અને પરાક્રમી રાજાઓ હિન્દુસ્તાનમાં થઈ ગયા; છતાં જાણે ગઇ કાલે જ રામચરિત માનસ બન્યું હોય એટલો એમનો યશ અને એમના પ્રતિની ભક્તિ હજુ સુધી હિન્દુ હૃદયમાં સ્ફુર્યા કર્યાં છે. આજની રાક્ષસ જેવી વિશાળ બ્રિટિશ સલ્તનતના સિંહાસન પર બેસનારા શહેનશાહને તુચ્છ ગણે એવા સમ્રાટો પણ કદાચ કોઈ કાળે પૃથ્વી પર અસ્તિત્વમાં આવે અને કાળની અનંતતામાં લીન થઇ જાય; એમના કાળમાં એમના હાથ તળે દબાયલી પ્રજાઓ કદાચ એમનો જયજયકાર પણ કરે; છતાં "રાજા રામચંદ્ર કી જય" એ ઘોષણાને ભૂલાવવાને અને એ