આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

જયકારમાં ઝળકતા ચિરંજીવ યશ અને અતુલ્ય ભક્તિને હઠાવવાને કોઇ મહીપતિઓ સમર્થ ન થાય એ સંભવિત છે. કોઇ આખા જગતનો સમ્રાટ થઈ શકે; રાવણના રાજ્ય કરતાં યે મોટી સલ્તનતને ધૂળમાં રગદોળી નાંખે એવો કોઈ પરાક્રમી પુરુષ ભૂતળ ઉપર દેખાઈ આવે; છતાં એ રામરાજાના યશને જીતી ન શકે એવું બને. રામને કોઈ જીતી શકશે તો તે રામના ભક્ત જ. જે પૂર્ણપણે રામ થશે તે જ રામને જીતશે. આ જીવન વાંચનારને, મનમાં રામ રૂપ થઇ રામને જીતવા અભિલાષા થાઓ.

જન્મ

ભારત વર્ષના ક્ષત્રિયોમાં ઇક્ષ્વાકુ[૧] કુળ અત્યંત પ્રતાપી થઇ ગયેલું જણાય છે. જે જે પ્રતાપી રાજાઓની કીર્તિ હિન્દુ


  1. સૂર્યવંશી ક્ષત્રિયોનો આદિઅપુરુષ. વિવસ્વાન્ (સૂર્ય)નો પુત્ર મનુ અને મનુનો પુત્ર ઇક્ષ્વાકુ એવી કથા છે. ગીતામાં ચોથા અધ્યાયના પહેલા શ્લોકમાં જે વિવસ્વાન્ અને મનુનું નામ છે તે આ જ. ઈક્ષ્વાકુ વંશની આગળ જતાં ઘણી શાખાઓ પડી ગઇ. રામનું રધુકુળ તે તેમાંની એક. રઘુના વંશજો તે રાઘવો; માટે રામને રાઘવ, રઘુપતિ વગેરે ઉપનામો દેવાય છે.