આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

કૈકેયીના ચિત્તમાં ભર્યો અને આ અભિષેક ગમે તેમ કરી અટકાવવા એને ઉશ્કેરી. એની શિખામણની કૈકેયી ઉપર પૂરી અસર થઇ. એણે કલહ કરવાનો નિશ્ચય કર્યો. એક વાર એક યુદ્ધમાં દશરથનું સારથીપણું કરી એણે બહાદૂરીથી રાજાનો પ્રાણ બચાવ્યો હતો. રાજાએ આથી પ્રસન્ન થઇ એને બે વર આપવા તે વખતે વચન આપ્યું હતું. એ વરો માગવાની આ સરસ તક છે એમ કૈકેયીને લાગ્યું. સાંજે દશરથ એના મહેલમાં આવે તે પહેલાં એણે ક્લેશ કરવા માંડ્યો. અલંકારો ફેંકી દીધા; વાળ છૂટા કીધા, નવાં કાઢી જૂનાં અને મેલાં વસ્ત્રો પહેરી લીધાં અને જમીન પર આળોટી મોટેથી રડવા માંડ્યું. દશરથને મહેલમાં જતાં જ ક્લેશનું દર્શન થયું. પુષ્કળ કલ્પાંત કર્યા પછી કૈકેયીએ દશરથને પોતાના બે વર આપવા માગણી કરી. દશરથે તેમ કરવા વચન આપ્યું. વચનથી બાંધી લીધા પછી કૈકેયીએ પહેલા વરમાં રામને બદલે ભરતનો યુવરાજ તરીકે અભિષેક અને બીજા વરમાં રામને ચૌદ વર્ષ દેશનિકાલ ફરમાવવાની માગણી કરી. આવી માગણીનો દશરથને જરાયે ખ્યાલ ન હતો. એ તો બીજે દિવસે પોતાના પ્રિય પુત્રને યુવરાજ

૧૨