આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

મોટો ધર્મ સમજતો જ નથી. તમે મને ખરેખરો સદ્‍ગુણી જાણ્યો નથી, નહિ તો તમે રાજાને આ દુ:ખમાં નાંખત નહિ. તમારે જ મને વનવાસમાં જવાની આજ્ઞા કરવી ઘટતી હતી. જેમ રાજાની આજ્ઞા મને માન્ય છે, તેમ તમારી આજ્ઞા પણ મારી માથે છે. હશે. હવે હું માતાની આજ્ઞા લઇ, સીતાને સમજાવી હમણાં જ નીકળી જાઉં છું. ભરત બરાબર પ્રજાને પાળે અને રાજાની સેવા કરે એ જોજો, કારણ કે એ આપણો સનાતન ધર્મ છે."

ત્યાંથી નીકળી રામ લાગલા જ કૌસલ્યાને મન્દિરે ગયા અને બનેલી સર્વે હકીકત કહી. આવું અણધાર્યું સંકટ આવવાથી કૈસલ્યાને જે દુ:ખ થયું તેમાંથી એને શાન્ત કરવાં એ સહેલું ન હતું. પણ પ્રિય વચનોથી રામે એમને ધીરજ આપી અને એમના આશીર્વાદ લઈ એ સીતાની પાસે જઈ પહોંચ્યા. સીતાએ રામ સાથે વનમાં જવા આગ્રહ કર્યો. પતિના ભાગ્યમાં પત્ની તરીકેનો અર્ધો હિસ્સો ભોગવવાનો એણે હક બતાવ્યો. રામ તેની વિનંતિનો અસ્વીકાર કરી શક્યા નહિ, તેથી એમને પણ સાથે જવાનું ઠર્યું. લક્ષ્મણે પણ રામના સાથી થવા ઈચ્છા દર્શાવી. સુમિત્રાની આજ્ઞા

૧૬